માંચાખાચરની નિષ્કામભક્તિ જોઈ શ્રીહરિનો અંતરનો રાજીપો
મહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા,
“અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે મહારાજ માટે હાર બનાવી દો.” આમ, માંચાખાચરે બધાને સેવા સોંપી અને મહાપ્રભુની કારિયાણી ગામમાં ખૂબ ધામધૂમથી પધરામણી કરાવી.
“માંચાખાચર આટલા બધા સુખી છે ! ઘર જોતા તો એવું લાગે છે કે તેમની પાસે કેટલીય જમીન-જાંગીર હશે. તેઓ આર્થિક રીતે ખૂબ સુખી-સંપન્ન છે. સાથે તેઓ આધ્યાત્મિક રીતે પણ ખૂબ સમૃદ્ધ છે.” મહારાજે સંતો-ભક્તોને કહ્યું,
મહારાજે માંચાખાચર પર રાજીપો દર્શાવતાં કહ્યું,
“તમારી મોક્ષ પામવાની ઉત્કૃષ્ટ મુમુક્ષુતા જોઈ અમો ખૂબ રાજી થયા; તમે માગો બાપુ; જે માગો તે આપીશું.”
માંચાખાચરે પ્રભુને પ્રસન્ન જોઈ મણા રાખ્યા વગર હાથ જોડીને પ્રાર્થના કરી:
“હે મહારાજ, આપ જો રાજી હો તો કામ-ક્રોધાદિક અંત:શત્રુ થકી મારી રક્ષા કરજો. આપના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય મારું મન ન લોભાય અને સૌ આપના સંતો-હરિભક્તોને વિષે સદા દિવ્યભાવ રહે અને આપની મૂર્તિનું અખંડ ચિંતવન થાય એવી કૃપા કરો.”
મહારાજ તેઓની આવી નિષ્કામભક્તિ જોઈ અતિ પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, “માંચાબાપુ, આપની પ્રાર્થના અમો સાંભળી લીધી છે, આપે જેમ માગ્યું તે પ્રમાણે જરૂર મળશે.”