ઠાકોરજીની સંપત્તિ વિવેકથી વાપરવી.
વાસણા સંત આશ્રમ, મૂર્તિધામ હૉલ કે મંદિરમાં ઘણી વાર સેવામાં રહેલા હરિભક્તો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી એમને બોલાવે :
“કેમ તમે લાઇટ-પંખો બંધ કરવાનું ભૂલી ગયા ?”
“એ તો બાપજી એક જ મિનિટ માટે નીચે ગયો હતો.”
“ભલે અડધી ક્ષણ માટે જાવ... પણ ખાલી સ્વિચ બંધ કરતા વાર કેટલી લાગે ? જરાય ન લાગે. તમે એક નિયમ જ કરી દો ; જેવા રૂમમાંથી બહાર નીકળો એટલે સહેજે સહેજે સ્વિચ બંધ થઈ જવી જોઈએ...”
“ભલે દયાળુ...”
“થોડો ખટકો જ રાખવાનો છે. અને આ ખટકો રાખવામાં શ્રીજીમહારાજની આજ્ઞા પળે. અને આ બાબતને આપણે આજ્ઞા તરીકે જોતા જ નથી; જોતા થઈશું તો પળશે જ...”
આમ, ગુરુવર્ય પ.પૂ.બાપજી ‘શ્રીજીમહારાજની સંપત્તિને વિવેકથી વાપરવી’ તેને આજ્ઞા તરીકે નિરંતર પાળે છે ને પળાવે પણ છે.