શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,

     “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?”

     “માફ કરજો, અમે કોઈને પૂછ્યું નથી પણ ધર્મશાળા તો જાહેર જનતા માટે ન હોય !” મહારાજે નમ્રતાથી રખેવાળને કહ્યું.

     “સાચી વાત છે, પણ પૂછીને તો ઉતારો કરવો. રખેવાળે ઠંડા કલેજે મહારાજને પ્રત્યુત્તર કર્યો.

     “સુરાખાચર ! આપણે પૂછવું જોઈતું હતું. અમે જ શિક્ષાપત્રી કરી ને અમે જ એ લોપી. કેમ કે, તેના ધણીને પૂછ્યા વગર ઉતારો કર્યો. હવે આપણાથી આ સ્થાનમાં ન રહેવાય.” શ્રીહરિએ સાથે આવેલા સર્વે સંતો-હરિભકતોને કહ્યું.

     “પણ મહારાજ ! હવે તો તેમણે આપણને પરવાનગી આપી જ દીધી ને.”

     “ના, અમારી આજ્ઞા અમે જ લોપી તે બદલ શિક્ષા, માટે તમારો સરસામાન તૈયાર કરી દ્યો.” આટલું કહી શ્રીહરિએ બીજે ઉતારો કર્યો.

     શ્રીહરિએ પોતાના અનુયાયીગણ માટે શિક્ષાપત્રી લખી છે પરંતુ પોતાને પણ પાળવાનો ખટકો રહેતો.