ગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી,

      “બાપજી, મારી દુકાનમાં રોજ એક ડબ્બો તેલ માંડ વેચાય છે.”

    “કેમ ?”

     “બાપજી,હું કપાસિયા તેલ વેચું છું.આ તેલમાં કોઈ ભેગ કરતો નથી. એટલે મને પોષાય એ વાજબી ભાવે વેચું છું.”

     “એ સારું જ કહેવાય ને !” ગુરુવર્ય પ.પૂ. બાપજી સહસા જ બોલ્યા.

     “દયાળુ,મારી બાજુની દુકાનવાળા ભાઈ પામોલિન તેલ કપાસિયાના નામે સાવ સસ્તું વેચે છે એટલે એમને રોજ દસ ડબ્બા તેલ જાય છે. બાપજી, પામોલિનના ડબ્બાનો ભાવ 300 રૂપિયા છે જ્યારે કપાસિયાનો ડબ્બો 600 રૂપિયાના ભાવે છે. એટલે તે ખોટું કરીને રોજના 3000 કમાય છે અને મારે માંડ એક ડબ્બો તેલ વેચાય છે.”

     “એ સારું ન કહેવાય... જસિયા, તારે આવું નહિ કરવાનું...”

     “બાપજી મારું ઘર સંપૂર્ણ દુકાન પર જ નભે છે અને ધંધામાં કંઈ નફો નથી તો હું...”

     “શું બોલ્યા...?”

     “હું પણ મારી બાજુવાળાની જેમ કરું કે કેમ ?”

    “સાંભળ જસિયા, શ્રીજીમહારાજની આજ્ઞા લોપી ક્યારેય ખોટું નહિ કરવાનું. ભલે નફો ન થાય પણ શ્રીજીમહારાજની કોરે નફો કરવાનો... અરે, ભલે પાવરું તેલ વેચાય પણ અનીતિયુક્ત ખોટો પૈસો આપણા સત્સંગીના ઘરમાં ન આવવો જોઈએ. માટે આજથી તને નિયમ, તારે કંઈ ખોટું નહિ કરવાનું... તારો ધંધો શ્રીજીમહારાજ વધારશે... શ્રીજીમહારાજ તને ખૂબ સુખિયો કરશે...”