ફોનની આપ-લે થતા ઉપવાસ કર્યો.
તા. ૧૮-૯-૨૦૧૮ ને મંગળવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો જૂનાગઢ વિચરણ પૂર્ણ કરી વહેલી સવારે ૮:૩૦ વાગે સ્વામિનારાયણ ધામ પરત પધારી રહ્યા હતા.
અમદાવાદ આવ્યા ત્યારે બપોરના ૧૨:૩૦ થયા હતા. ત્યાં એક હરિભક્તના ઘરે પધરામણી હતી. જે કાર્યકર પ.પૂ. સ્વામીશ્રીને વધાવવા આવેલા તેઓ પધરામણીના ઘરનો રસ્તો ભૂલ્યા.
માટે ડ્રાઇવરે પોતાનો ફોન પેલા હરિભક્તની ગાડીમાં રસ્તો સમજવા આપ્યો. આ મુજબ એક ગાડીમાંથી બીજી ગાડીમાં ફોનની આપ-લે કરી. ચર્ચા પૂર્ણ થતાં ગાડી આગળ વધી.
હરિભક્તની ગાડીમાં એક મહિલા બેઠાં હતાં જેનો ખ્યાલ પ.પૂ. સ્વામીશ્રીને કે ગાડીમાં બેઠેલા કોઈ જ સભ્યોને નહોતો પરંતુ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની ગાડી ઉપર દૃષ્ટિ પડતાં આનો ખ્યાલ આવ્યો.
ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતોને કહ્યું, “સંતો, આજે આપણાથી ફોનની આપ-લે કરતાં મહિલાનો અપ્રત્યક્ષ રીતે સ્પર્શ થઈ ગયો માટે આજે આપણે ઉપવાસ.”
આમ, પૂ. સંતો સ્ત્રીનો સ્પર્શ તો નથી જ કરતા પરંતુ આવી રીતે અપ્રત્યક્ષ સ્પર્શ થઈ જાય તોપણ ઉપવાસ કરી નિષ્કામી વર્તમાનની દઢતા રાખે-રખાવે છે.