એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સંતરામપુર તાલુકામાં વિચરણ કરી ગોધર પરત પધારતા હતા. બપોરના ૨:૩૦ વાગી ગયા હતા. ઠાકોરજી જમાડવાના બાકી હતા.

રસ્તામાં કોઈએ હાથ લાંબો કર્યો તેથી ગાડી ઊભી રખાવી. જોયું તો ગળામાં કંઠી હતી પણ સાવ નવા જ હરિભક્ત હતા. તેમણે પ્રાર્થના કરી કે, “બાપજી, મારું ઘર ઓય ડુંગરાની હેઠ છે તો પધરામણીએ આવો ને !” પૂ. સંતોએ ઘણી ના પાડી.

ગુરુદેવ પ.પૂ. બાપજી આદિવાસી મુક્તોના મનોરથ પૂરા કરવા સદા તેમને વશ વર્તતા. તેથી ગુરુદેવ પ.પૂ. બાપજી ગાડીમાંથી નીચે ઊતર્યા અને હરિભક્તને કહ્યું, “તું આગળ ચાલવા માંડ; અમે આવીએ છીએ.” હરિભક્ત “ઓય આયું બાપજી... ઓય આયું...” બોલતાં ડુંગરા ઓળંગતા એક કોતર, બે કોતર આગળ વધતા જાય.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂછ્યું કે, “કેટલે રહ્યું ?” “બાપજી, ઓય જ છે.” ગુરુદેવ પ.પૂ. બાપજીએ રમૂજ કરતાં કહ્યું, “તારું ઓય આટલું છે તો છેટું કેટલું હશે ?” દોઢ કલાકે ડુંગરા ઓળંગતા તેના ઝૂંપડાંમાં પધાર્યા.

ગુરુદેવ પ.પૂ. બાપજી ઠાકોરજીની આરતી કરી દોઢ કલાકે પાછા આવ્યા અને સાંજે ૬:૩૦ વાગે ગોધર પધારી બપોરના ઠાકોરજી જમાડ્યા.

કેવું પરોપકારી સ્વરૂપ !!