ઈ.સ. ૨૦૧૮ના મે માસમાં એસ.એમ.વી.એસ. સમાજના આદર્શ યુવકમુક્તો માટેનો AYP કેમ્પ આવી રહ્યો હતો.

આAYP કેમ્પની પૂર્વ તૈયારી માટે કાર્યાલયના લીડરમુક્તો તથા સ્વયંસેવક મુક્તો કેમ્પની સેવાઓ કરી રહ્યા હતા. રાત્રિના ૧૧:૩૦ વાગ્યા હશે ત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બહાર સત્સંગ વિચરણ પૂર્ણ કરી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર પધાર્યા. સૌ કોઈ દર્શન માટે પધાર્યા.

કાર્યાલયમાં સેવા બજાવતા સ્વયંસેવકોને જોઈ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,

“મુક્તો, ઘરે ગયા નથી ? અને તમે બધા કેમ હજુ જાગો છો ?”

ત્યારે કાર્યાલયના લીડરમુક્તે કહ્યું કે, “દયાળુ સ્વામીશ્રી, આવતીકાલથી AYP કેમ્પ શરૂ થાય છે તેથી કેમ્પની પૂર્વ તૈયારી માટે સેવા કરીએ છીએ.”

આ પ્રત્યુત્તર સાંભળતાં જ અહોનિશ મૂર્તિના સુખમાં રાચતા ને સ્વવિકાસના આગ્રહી વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ તે સર્વે મુક્તોને કહ્યું કે, “મુક્તો, માત્ર બે કે ત્રણ દિવસ નહિ પણ સદાકાળ કેમ્પ ચાલવો જોઈએ. જેવો કેમ્પમાં માહોલ હોય છે, નિયમમાં વર્તાય છે તેમ તમારે પણ કાયમ આ પ્રમાણે વર્તવું. તો જ કેમ્પની સફળતા મળે.”

આમ, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને એકજ આશા છે કે, કેમ કરીને કારણ સત્સંગનો સર્વે સમાજ નિરંતર સ્વવિકાસમાં ડૂબતો થાય અને જલદી જલદી અનાદિમુક્તની સ્થિતિને પામી મૂર્તિસુખના ભોક્તા થાય.