મહારાજની મરજી ભાઈ
તા. ૨૦-૧૦-૨૧ના રોજ ગુરુજી પૂનમિયા ભક્તોને કથાવાર્તા, દર્શન ને આશીર્વાદનો લાભ આપવા પધાર્યા. સભા દરમ્યાન પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વાંચવા માટે ચશ્માં કાઢીને પહેર્યાં પણ તે તરત પડી ગયાં ત્યાં સુધી ગુરુજીની દૃષ્ટિ વચનામૃત શોધવા પર જ હતી. તેઓ બીજી વાર ચશ્માં પહેરવા ગયા ત્યાં તેમની દૃષ્ટિ ચશ્માંની પહોળી થયેલી ડાબી બાજુની દાંડી પર પડી. તેથી તેમણે ચશ્માં બંધ કર્યાં. ત્યાં તો એ દાંડી બટકી ગઈ : “પતી ગયું જય સ્વામિનારાયણ... લો ! મહારાજની મરજી ભાઈ ! ચશ્માંની દાંડી તૂટી ગઈ ! આપણી તૂટી ન જાય તેનું ધ્યાન રાખજો...”
ગુરુજી એક સામાન્ય ક્રિયામાં પણ કેવી જીવનલક્ષી વિચારશીલતા દાખવતા હોય છે. એમની આ રીત સભામાં બેઠેલા સર્વે ભક્તોને આનંદ સાથે દિવ્ય સંદેશ પાઠવી ગઈ.
ગુરુજી ગ.પ્ર. ૭૧ના જેવો બીજો વચનામૃતનો સંદર્ભ જણાવવા ગયા ત્યાં તો બીજાં ચશ્માં આવી ગયાં. તેથી ગુરુજી સહર્ષભાવે બોલ્યા : “ગ.પ્ર. ૭૧માની જેમ મહારાજે બીજી જગ્યાએ કહ્યું છે તેમ એ ચશ્માં નહિ તો આપણે બીજાં ચશ્માંનો ઉપયોગ કરીએ. એક વચનામૃતની જેમ બીજા વચનામૃતનો ઉપયોગ કરીએ તેમ એક ચશ્માંની જગ્યાએ બીજા ચશ્માંનો ઉપયોગ કરીએ. બાપજી કાયમ ચશ્માંને ‘ચહમાં’ કહેતા... ‘ચહમાં’ એ દિવ્યપુરુષનો પ્રસાદીનો શબ્દ છે. એ દિવ્યપુરુષને આપણે યાદ કરીએ...” ગુરુદેવ બાપજીની સ્મૃતિ કરતાં ગુરુજીના ચહેરા પર અપૂર્વ ચમત્કૃતિ જણાઈ. ગુરુજીએ એક સંદર્ભની પુષ્ટિ માટે બીજો સંદર્ભ આપતાં ચશ્માં આવ્યાંની ક્રિયા ખૂબ જ સરળ રીતે વણી લીધી. વળી, એમાં ‘ચશ્માં-ચહમાં’ સાથે ગુરુદેવ બાપજીનો સ્મૃતિનિધિ ભાવિક સમક્ષ હરખભેર પ્રગટ્યો. આ ક્ષણે ગુરુજીએ સૌને ક્રિયા નહિ, સ્મૃતિ અનુભવ પ્રદાન કર્યો.
વાહ ! ગુરુજી, આપની રીત સહજ વિચારશીલતાનું ઝરણું છું... જેમા અનંત ન્હાઈને સુખની મોજું માણે છે !