મોક્ષ માગજે
ઈ.સ 1811માં શ્રીજીમહારાજ સુરાખાચર સાથે લોયા જઈ રહ્યા હતા. લોયા બે ગાઉ દૂર રહ્યું હતું ત્યારે શ્રીહરિએ નૌતમલીલા કરી.
“સુરાખાચર! અમને તરસ બહુ લાગી છે, ક્યાંકથી પાણી લઈ આવો ”
સુરાખાચર તરત પાસેની વાડીમાં ગયા. ત્યાં ખેડૂતનો દીકરો હળ હાંકતો હતો.
સુરાખાચરે પાણી માગ્યું ત્યારે તેણે કહ્યું,
“બાપુ, સામે ઝાડે સાવ નવી જ ભંભલીમાં પાણી ગાળીને ભર્યું છે તે લઈ જાવ.”
સુરાખાચરે કહ્યું, “આ પાણી હું ભગવાન સ્વામિનારાયણ માટે લઈ જઉં છું. તું મારી પાછળ આ ભંભલી લેવા આવજે. ભગવાન તારી ઉપર પ્રસન્ન થઈ તને માગવાનું કહે તો તું મોક્ષ માગજે.”
દીકરાએ કહ્યું, “બાપુ, પણ અમારી 30 વીઘા જમીન બાજુવાળાએ દબાવી છે તે ન માગું?”
“એ તો તને વગર માગે આપી દેશે.” બાપુએ કહ્યું. સુરાબાપુના કહ્યા મુજબ દીકરો પાછળ ગયો. તેના પર પ્રસન્ન થઈ મહારાજે કહ્યું, “તેં અમારી સેવા કરી માટે અમે ખૂબ પ્રસન્ન થયા, અમારી પાસે કંઈક માગ.”
દીકરાએ હાથ જોડી કહ્યું, “મારો મોક્ષ કરજો, દયાળુ પ્રભુ.”
“તને આવું માગતાં કોણે શિખવાડ્યું?”
“આ સુરાબાપુએ.”
અંતર્યામી શ્રીહરિએ કહ્યું, “તારો મોક્ષ પણ કરીશું ને તારા સંકલ્પ મુજબ તારી 30 વીઘા જમીન પણ મળી જશે.”
વાહ પ્રભુ ! આપ જેના માટે પધાર્યા છો તે મોક્ષ તો આપ્યો જ સાથે તે બાળકની ઇચ્છા મુજબ આશીર્વાદ આપી તેનેય રાજી કર્યો.