ગુરુની મરજીના મરજીવા
“મને જો બાપજી આજ્ઞા કરે કે આકાશના તારા ચૂંટી લાવ; તો હું આકાશમાંથી તારો હેઠે લઈ આવું...!!!” આ શબ્દો છે દિવ્ય સત્પુરુષ
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના રૂંવાડે રૂંવાડે છલકાતા ગુરુમહિમાના... ગુરુ પ્રત્યેની નિશ્ચયાત્મક દૃઢતાના, ગુરુ પ્રત્યેની આગવી પ્રીતિના... ગુરુ સાથેની અજોડ આત્મબુદ્ધિના...!!!
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે ગુરુની મરજીના મરજીવાનું મૂર્તિમંત સ્વરૂપ.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી કાયમ કહેતા હોય છે કે, “જ્યારથી ગુરુવર્ય પ.પૂ. પ.પૂ. બાપજીનો ભેટો થયો ત્યારથી લઈને આજદિન સુધી ક્યારેય એ દિવ્યપુરુષની મરજીને લોપી નથી કે એ દિવ્યપુરુષના સંકલ્પને હેઠો પડવા દીધો નથી. બસ, એ દિવ્યપુરુષની જેમ મરજી હોય, એ જેમ રાજી હોય એમ જ કરવાનું અને અનંતને કરાવવાનું...!! ભલે પછી એમની મરજીમાં રહેવા માટે આપણે જે સહન કરવું પડે તે કરવાનું, જે ભીડો ખમવો પડે તે ખમવાનો, જે કષ્ટો વેઠવાં પડે તે વેઠવાનાં ! એમની મરજીમાં રહેવા માટે ક્યારેય આપણ દેહ સામું નહિ જોવાનું, દેહનું જે થવું હોય તે થાય; પરંતુ એ દિવ્યપુરુષનો સંકલ્પ હેઠો ન પડવો જોઈએ !!”