એક વખત બપોરના સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સાથે સંતો ઠાકોરજી જમાડતા હતા. ઠાકોરજી જમાડ્યા બાદ સંતો પત્તર ઘસવા માટે આવ્યા. સંતો પત્તર ઘસતા હતા ત્યાં તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સંતો જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયા થઈ પોતું કરવા લાગ્યા. પૂ. સંતોએ પત્તર ઘસતાં ઘસતાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને પોતું કરતા જોયા.

     તરત જ બે સંતો દોડીને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના હસ્તમાંથી પોતું લેવા લાગ્યા ને સંતોએ કહ્યું, “દયાળુ, આ સેવા આપને ન કરવાની હોય.”

     ત્યાં જ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બોલી ઊઠ્યા, “કેમ આ સેવા મારે નહિ કરવાની ?? તમે બધા અમારી સેવા કરો તો અમારે તમારી સેવા ના કરાય ? મને પણ આ સેવાનો અધિકાર છે, હું કાંઈ મોટો નથી. હું તો બધાય સંતોનો સેવક છું. અને સેવકનો ધર્મ છે નીચી ટેલની સેવા કરવાનો. માટે મને આ સેવા કરવા દો.”

     આહાહા !!! નીચી ટેલની સેવા કરવાનો આગ્રહ એ દિવ્યપુરુષના જીવનમાં કેવો સતત દર્શન થયા કરે છે !