જીવની હિંસા એ તો મહામોટું પાપ
ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં વગેરે મૂકી સરોવરમાં ન્હાવા ગયા.
એ વખતે સરોવરના કાંઠે એક કદાવર કાળો ડિબાંગ માછીમાર ઊભો હતો.તે માછલાં પકડવાની જાળ બિછાવી માછલાં પકડતો હતો.
જાળમાં ફસાયેલાં માછલાંને પાણીમાંથી જાળ બહાર કાઢે એટલે માંછલાંઓ તરફડી મૃત્યુ પામે. પછી તે મરેલાં માછલાંઓના ટોપલા ભરતો હતો.
ઘનશ્યામ પ્રભુ તો અત્યંત દયાળુમૂર્તિ હતા. આટલાં બધાં માછલાંની હિંસા થતી જોઈ તેઓ તો દ્રવી ગયા. તેમને અરેરાટી થઈ આવી. આટલા બધા જીવોની હિંસા તેઓ જોઈ શક્યા નહીં.
તેથી મિત્રોને સાથે લઈ માછીમાર પાસે આવ્યા. માછીમારે એક મોટા ટોપલામાં માછલાં ભેગાં કર્યાં હતાં. તે બધાં જ મૃત અવસ્થામાં હતા. મરેલાં માછલાંના ટોપલા જોઈ ફરી પ્રભુ કંપી ગયા.
તેમણે જાણ્યું કે આ પાપીને ઉપદેશ આપવો નિરર્થક છે. તેને અન્ય રીતે સબક શિખવાડવો પડશે.
ઘનશ્યામ પ્રભુએ મરેલાં માછલાંઓનો ટોપલો હતો તે પર કરુણામય દિવ્ય દ્રષ્ટિ રેલાવી. એટલે તમામ મૃત માછલામાં ચેતન આવ્યો. સહુ સજીવન થઈ પાણીમાં કૂદી પડ્યાં.
માછીમાર તો આ જોઈ કાપો તો લોહી ન નીકળે એવો આભો બની ગયો. પોતાની કલાકોની મહેનત પર આ ઘનશ્યામે પાણી ફેરવી નાખ્યું છે એમ જાણી તે ક્રોધે ભરાયો ને ઘનશ્યામ પ્રભુને મારવા દોડયો.
ઘનશ્યામ પ્રભુ ક્યાં કોઈથી ડરે એવા હતા ? એમના સંબંધે, એમના સ્મરણે નિર્ભય થઈ જવાતું હોય તો તે દિવ્યમૂર્તિને વળી ભય શાનો ? જ્યાં માછીમાર નજીક આવ્યો ત્યાં ઘનશ્યામ પ્રભુએ એની સામું દ્રષ્ટિ કરી ને સમાધિ કરાવી દીઘી.
ત્યાં જ તે કાષ્ઠવત્ સ્થિર થઈ ગયો. સમાધિમાં તે યમપુરીમાં ગયો. ત્યાં મહાભયંકર એવા યમના દૂતો માછીમારને તેણે કરેલી હિંસા બદલ તપાવેલ લાલચોળ સળિયાથી મારવા માંડયા. માછીમાર તો ત્રાહિમામ પોકારી ઊઠ્યો.
સમાધિમાંથી બહાર આવી તે ઘનશ્યામ પ્રભુના ચરણોમાં પડી ગયો.
પ્રાર્થના કરી કગરવા લાગ્યો, “ હે ઘનશ્યામ ! તમે બાળક નથી. તમે તો સાક્ષાત્ ભગવાન છો. મને બચાવો. પ્રભુ ! હવે હું ક્યારેય કોઈ જીવની હિંસા નહિ કરું. મારાં કરેલા પાપ બદલ હવે મને ખૂબ પસ્તાવો થાય છે. અજ્ઞાને કરી આ પાપના ધંધામાં હું પડ્યો હતો. હવે હું આજથી આ ધંધો જ છોડી દઉં છું. પણ અત્યાર સુધી કરેલી હિંસાને માફ કરી મારી પર આપ રાજી થાવ.”
ઘનશ્યામ પ્રભુએ જાણ્યું કે તે સાચા ભાવે પશ્ચાત્તાપ કરે છે.
તેથી દયાળુ મૂર્તિએ તેના અત્યાર સુધીનાં કરેલાં તમામ પાપોને કૃપાદ્રષ્ટિ વડે બાળી નાખ્યાં ને કહ્યું, “ હવેથી ક્યારેય કોઈ પણ જીવની હિંસા કરીશ નહિ, કેમ કે હિંસા એ તો મહામોટું પાપ છે.”
માછીમાર પણ પાપો બળી ગયાં તેથી પાપના ભારથી હળવો ફૂલ થઈ ગયો.
ઘનશ્યામ પ્રભુના ચરણોમાં પગે લાગી પોતાનું જીવનપરિવર્તન પામી નવી દિશાનું જીવન જીવવાના સંકલ્પ સાથે ત્યાંથી ઘરે જવા નીકળ્યો.