આપણે તો માત્ર નિમિત્ત થવું
ઈ.સ. 2006ની સાલમાં ક્રિષ્ના હૉસ્પિટલના કુશળ સર્જન ને નામાંકિત ડૉ. રાજેશભાઈ દેસાઈને બાયપાસની સેવા મળી હતી. ઑપરેશન ખૂબ કુશળતાપૂર્વક ને સારું કર્યું હતું. ઑપરેશનના ત્રીજા દિવસે ડૉ. રાજેશભાઈ દેસાઈ રૂટિન ચેકઅપ માટે આવ્યા હતા.
તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને સ્નેહથી પૂછ્યું, “કેવું છે ? સારું છે ને ? કાંઈ તકલીફ ?” સાથેના પૂ. સંતોએ કહ્યું, “ડૉ. સાહેબ, છાતીમાં થોડો દુઃખાવો રહ્યા કરે છે. બાકી બધું બરાબર છે.”
આ સાંભળી ડૉ. રાજેશભાઈ પોતાની આવડત તથા અનુભવને આધારે કૉન્ફિડન્સથી બોલ્યા, “બાપજી, તમે બધું મારા પર છોડી દો. તદ્દન સારું થઈ જશે. તમે કાંઈ જ ચિંતા કરશો નહીં.”
ડૉક્ટર કુશળ સર્જન હતા તેમજ આવડત તથા સર્જરી માટે કાબેલ હતા તે વાત નિઃશંક હતી. પણ તે આજે એમના મુખે ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા દિવ્યપુરુષ કે જેના પળ પળમાં મહારાજનું મુખ્યપણું-કર્તાપણું રહેતું હોય ત્યારે તેમની સમક્ષ પોતાની કાબેલિયત-કુશળતા વ્યક્ત કરતા તો ગુરુવર્ય પ.પૂ. બાપજી મીઠી ટકોર કરવાનું ભૂલ્યે ? ન ભૂલે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હળવેથી કહ્યું, “ડૉ. સાહેબ, આપણાથી કાંઈ થાય નહીં. ભગવાન ધારે ને એમ જ થાય. કોઈ પણ કાર્યમાં ભગવાનને કર્તા કરી દેવા. માટે તમારેય ભગવાન ઉપર છોડવાનું ને માત્ર નિમિત્ત બનવું.” આ વાત હૃદયના સર્જન ડૉ. રાજેશભાઈના હૃદયમાં ખૂંપી ગઈ હતી. તેઓ નતમસ્તક થયા.