એક વખત સદ્. મુનિસ્વામી સરસપુર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની સામે જ લાભ લેવા બિરાજ્યા હતા.

     સભા બે-ત્રણ કલાક સળંગ ચાલી તેથી લઘુશંકા થઈ.

     “અરે, જો લઘુ કરવા જઈશ તો મારી કથા જતી રહેશે. કથા જાય એ તો મને એક ટકો પણ ન જ પોષાય. માટે લઘુ કરવા જવું નથી.” આવો દૃઢ સંકલ્પ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજી ઊભા જ ન થયા.

     બીજી એક કલાક કથા વધુ ચાલી. હવે રહેવાય નહિ તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી.

     તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મનોમન સદ્. મુનિસ્વામીને પ્રાર્થના કરી કે, “દયાળુ, દયા કરો. જો ઊભો થઈશ તો મારી કથા જતી રહેશે માટે દયા કરો.”તરત જ સદ્. મુનિસ્વામીએ અંતર્યામીપણે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ જાણી કથાને વિરામ આપ્યો. બે મિનિટ નેત્ર મીંચી બિરાજ્યા અને જેવા ગુરુવર્ય પ.પૂ. બાપજી પાછા પધાર્યા કે તુરત કથાવાર્તા શરૂ કરી દીધી.

     આવું તો આ એક વાર નહિ, જ્યારે જ્યારે કથા સમયે આવો પ્રસંગ થાય ત્યારે સદ્. મુનિસ્વામીને મનોમન પ્રાર્થના કરે કે તુરત કથાને બે મિનિટ વિરામ આપે. બે મિનિટ પછી ચાલુ કરે. તેમનો કથા પરત્વેનો આગ્રહ જોઈ સદ્. મુનિસ્વામી પણ તેમને વશ વર્તતા.

     કથાવાર્તારૂપી ચારો કેવો આગ્રહપૂર્વક ચરવો જોઈએ તેની રીત મુમુક્ષુને શીખવવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતે વર્તીને બતાવ્યું છે.