સંતોને સીધું સાથે ન લેવાનો શ્રીહરિનો ઉપદેશ
સંવત 1885માં ભગવાન સ્વામિનારાયણ વડતાલ તથા તેના આજુબાજુનાં ગામડાંઓમાં અનંતાનંત મુમુક્ષુઓને સુખિયા કરી કારિયાણી પધાર્યા.
ત્યાં શ્રીહરિએ દાદાખાચર તથા સુરાખાચરને બોલાવી કહ્યું, “અહીંથી અમારે ભાવનગર જવું છે.”
ત્યારે દાદાખાચર અને સુરાખાચરે શ્રીહરિને વિનયવચને પ્રાર્થના કરતાં કહ્યું,
“મહારાજ ! જો ભાવનગર જવું હોય તો આપ મોટેરા સદગુરુ સંતો અને મોટેરા હરિભક્તોનાં મંડળ સહિત પધારો તો સારું રહે; એ જ આપની શોભા છે.”
મહારાજને તેઓની પ્રાર્થના ઠીક લાગતાં એક ઘોડેસવારને ગઢપુર મોકલ્યા અને મોટેરા સદગુરુ સંતોને સીધા જ ભાવનગર પધારવા કહ્યું. વળી, કુંડળ, સારંગપુર વગેરે ગામોથી મોટેરા કાઠી હરિભક્તોને ભાવનગર પધારવા સંદેશો મોકલ્યો.
આ વાતની જાણ સદ્. શૂન્યાતીતાનંદ સ્વામીને થતાં વિચાર્યું કે, “આટલા બધા સંતો પધારે છે તો રસ્તામાં કંઈક ટીમણ કરવા ભાતું તૈયાર કરી લઉં. વળી, મહારાજના થાળ માટે સીધું-સામાન ભેગું કરી લઉં.”
આમ તેઓએ બધી તૈયારી કરવા માંડી. શૂન્યાતીતાનંદ સ્વામીને આમ તૈયારી કરતા જોઈ શ્રીહરિએ આશ્ચર્ય સાથે પૂછ્યું, “સ્વામી, આ શું કરવા માંડ્યું છે ?”
“મહારાજ ! રસ્તામાં સંતોના ટીમણ માટે ભાતું તૈયાર કરું છું અને આપના થાળ માટે સીધાંની સામગ્રી...”
“સ્વામી ! સાધુ થઈ ભાતાં....!!! પોતાંની તથા સીધાં-સામગ્રીની ચિંતા રાખે તે સાધુ શાના ?”
હજુ તો આ વાક્યનું કળ ચડે તે પહેલાં શ્રીહરિએ તેમના પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું,
“ સ્વામી ! આપણે જો આપણા ધર્મ પાળીશું તો સીધાં-સામગ્રી આપોઆપ મળી જશે, માટે જે સંતમાં ધર્મ હશે તે જ્યાં જશે ત્યાં લોકો તેને પૂજશે, જમાડશે અને સેવા કરશે.”
આમ, શ્રીહરિએ શૂન્યાતીતાનંદ સ્વામીના વિષે ધર્મપાલનની મહત્તા દર્શાવી.