સંવત 1885માં ભગવાન શ્રીહરિ ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં પધરામણી અર્થે પધારવાના હતા.

મહારાજે પોતાના સંતો-ભક્તો સાથે પોતાના ઉત્તમ અને આજ્ઞાપાલક ભક્ત રૂપાભાઈને ત્યાં ઉતારો કર્યો હતો.

બીજે દિવસે સવારે ભાવેણા દરબાર વજેસિંહના મહેલમાં પધરામણી કરવાની હતી. તેથી, બ્રહ્મચારીએ શ્રીહરિને સુંદર વસ્ત્રો તથા અલંકારો પરિધાન કરાવડાવ્યાં.

શ્રીહરિએ શ્વેત વસ્ત્ર પરિધાન કરી તેના પર સુરતના પ્રેમી ભક્ત આત્મારામ દરજીએ જે પ્રેમના ગૂંથણે ગૂંથેલી ડગલી બનાવી તે ડગલી ધારણ કરી.

મહારાજની નયનરમ્ય મૂર્તિનાં દર્શન કરતાં સૌ સંતો-ભક્તો થાકતા ન હતા તે શોભામાં અભિવૃદ્ધિ કરવા રૂપાભાઈએ મહારાજનાં વસ્ત્ર પર અત્તર છાંટ્યું.

મહારાજે પૂછ્યું, “રૂપાભાઈ આ શું ?”      

રૂપાભાઈ તો કંઈ બોલ્યા નહિ પણ રાજાભાઈએ કહ્યું,

“મહારાજ ! આ તો રૂપાભાઈએ તમને અત્તર છાંટી આપ્યું. દયાળુ, અમારા રજવાડાઓમાં અત્તર છાંટવાનો રિવાજ છે, તેનાથી શરીર મઘમઘે !”

“જેનું અંતર ગોબરું હોય, તેમાં વિકારો હોય અને તે પરસેવા વાટે દુર્ગંધ મારતું હોય તેવા શરીરની ગંધને ઢાંકવા માટેની આ રીત છે.”

થોડી વાર સુધી રૂપાભાઈ ને રાજાભાઈની સામું જોઈ શ્રીજીમહારાજ બોલ્યા,

“હું તો સર્વેને એ જ કહું છું કે, અંતર વિકાર વિનાના ચોખ્ખા રાખો અને આત્માને પ્રભુભક્તિના રંગથી રંગી ઘો તો શરીરમાંથી અત્તરને પણ ભૂલાવે તેવી સુગંધ છૂટશે, અને આ સુગંધ એવી તો છૂટશે કે તમારી આસપાસનું વાતાવરણ ભક્તિમય બની જશે.

બોલો સંતો-ભક્તો, આનાથી શ્રેષ્ઠ ઉપાય કોઈ ખરો ? અત્તર વિના દેહની સાથે આત્માને મઘમઘાવવાનો...”

શ્રીહરિએ આટલા નાનકડા પ્રસંગ દ્વારા પોતાના સંત-ભક્ત સમાજને બહુ મોટો ઉપદેશ અર્પી દીધો.