બાળકને થપાટ મારી તેથી શ્રીહરિની ઉદાસીનતા.
એક સમામાં ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજિત હતા. સભાની મધ્યેથી એરુ (એક સાપની જાતિ) નીકળ્યો.
તે એરુ જોઈ રમકડું સમજતાં ટેલીયા બ્રાહ્મણનો નાનો બાળક પકડવા આવ્યો.શ્રીહરિ તેમને વારંવાર પાછો વાળે છતાં તેને પકડવા મથે. ત્યારે મહારાજે તેને થપાટ મારી પાછો વાળ્યો અને તે એરુ ઝાલીને બહાર મૂકી આવ્યા.
ત્યારપછી ફરીથી સભા થઈ ત્યારે મહારાજ પધાર્યા પણ બહુ ઉદાસીનતા જણાવી.સંતો-ભક્તોએ ઉદાસીનતાનું કારણ પૂછ્યું.
“આ અમારા હાથ ચમચમે છે તો તે બાળકને કેટલું દુઃખ થયું હશે ? ! માટે મારો હાથ જેમને વાગ્યો તે બાળકને શોધી લાવો.”
તે બાળકને શોધતા મંદિરની બહારથી મળ્યો.
બાળક મહારાજ પાસે જતો હતો ત્યાં એક સંત મળ્યા ને કહ્યું,“તને મહારાજ માગવાનું કહે તો કહેજે તમે કોઈનો થાળ જમતા નથી તે જે થાળ બનાવે તેમના હાથનો જમજો.”
વળી,બાળકના પિતાશ્રીએ પણ શીખવાડ્યું કે,“બીજી વાર માગવાનું કહે તો તું મહારાજના ચરણારવિંદ માગજે.”
બાળક મહારાજ આગળ આવી હાથ જોડી ઊભો રહ્યો. મહારાજે પૂછ્યું, “તને મારો હાથ વાગ્યો?”
“હા, મહારાજ.”
મહારાજ ગમગીન બની ગયા અને બાળમુક્ત જેમ રાજી થાય તે ઉપાય શોધવા લાગ્યા. તે સમયે મહારાજ આગળ કોઈક હરિભક્તે પાઘ,સાકર અને બે રૂપિયાની ભેટ મૂકી તે સર્વસ્વ બાળકને આપી રાજી કર્યો.
અને છતાં બીજુ માગવાનું કહ્યું,
ત્યારે બાળમુક્તે સંતે કરેલી પ્રાર્થના કરી.
મહારાજ સંત સામું જોઈને કહે,
“આ તમે શીખવાડેલું બોલ્યો તેથી હવેથી થાળ જમીશું.” ફરીથી મહારાજે માગવાનું કહ્યું ત્યારે બાળમુક્તે પોતાના પિતાશ્રીની માગણી રજૂ કરી.
મહારાજે તરત ચરણારવિંદની જોડ મગાવી આપી.
હજુય મહારાજના અંતરે બાળકને ટપલી માર્યાની ઉદાસી ટળતી ન હતી તેથી ફરીથી માગવાનું કહ્યું.
ત્યારે તે બાળકના પિતાશ્રીએ કહ્યું,
“હે મહારાજ ! તમે મારા બાળક પર બહુ રાજી થયા; હવે તેને શું બાકી રહ્યું ? અને તમોએ જે ટપલી મારી તે તેના હિતમાં જ હતી.માટે અમારા પર રાજી રહેજો.”
મહારાજે પોતાના બે ચરણારવિંદ એ બાળકને છાતીમાં આપ્યા ને કહ્યું,
“તારું અને તારા પિતાશ્રીનું કલ્યાણ હું કરીશ.”
આમ, બાળકને રાજી કર્યો ત્યારે મહારાજની ઉદાસીનતા મટી.