આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પ્રાગટ્ય દિનનો ઉત્સવ હતો. સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા દેશોદેશથી હરખાતા હૈયે આવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ પર ખૂબ આશીર્વર્ષા વહાવી. ત્યારબાદ સૌ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે હારથી પૂજન કરી આગળ પધારતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીને તકલીફ ન પડે એ માટે એક સાધક મુક્તને સેવામાં રાખ્યા હતા. જે હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીને હાર કંઠમાં ધરાવે તે કાઢી હરિભક્તને પરત કરતા જેથી બાપાને દાખડો ન પડે. સાધક મુક્તને ગુરુજીની નિકટ સેવાનો દિવ્યલાભ મળ્યો હતો. તેનો હૈયે ઘણો આનંદ હતો. ઉમળકા સાથે સેવા કરી રહેલ સાધકથી એકાએક હાર બાપજીના નેત્રમાં વાગ્યો.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકદમ જ નેત્ર પર હાથ રાખી દીધો.

સાધક મુક્ત આ જોઈ ગભરાઈ ગયા. ‘અરરર ! બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે બાપા નારાજ થઈ જશે.’ – આ વિચારોથી રડમસ બની ગયા.

બે હાથ જોડી બાપાને વિનંતી કરવા લાગ્યા, “બાપા, રાજી રહેજો ! દયાળુ, માફ કરજો. સેવકના લીધે આપને વાગી ગયું. રાજી રહેજો !”

બાપજી બોલ્યા, “કંઈ નહિ, ભૂલ તો થાય. ચિંતા નહિ કરવાની, દુઃખી નહિ થવાનું.” એમ કહી તે સાધક મુક્તને આશ્વાસન આપ્યું.