ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા.

     આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો કર્યો હતો.

     માગશર માસની અતિશય કડકડતી ઠંડીમાં સાથે સેવામાં રહેલા સાગરદાનભાઈએ ગરમ કોટની ઉપર કામળો ઓઢેલો છતાં શરીર ઠંડીથી કંપતું હતું.

      રાત્રે ગરમ ધાબળા તથા ગોદડાં ઓઢાડી ઠાકોરજીને પોઢાડ્યા.

     જેમ જેમ રાત્રિ જામતી ગઈ તેમ તેમ ઠંડી માઝા મૂકીને અતિશય વધતી જતી હતી.

     વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગુરુવર્ય પ.પૂ.બાપજી જાગ્યા ત્યારે ગાત્રો થીજી જાય તેવો અતિશય ઠંડો પવન વાતો હતો.

      પાણીનો સ્પર્શ કરવાની ઇચ્છા ન થાય તો એવી ઠંડીમાં સ્નાન કેવી રીતે કરાય ?

     તેથી ગુરુવર્ય પ.પૂ.બાપજી સ્નાન કરવા પધારતા હતા ત્યારે મંદિરમાં રહેલા પૂજારીએ કહ્યું,“સ્વામી,આવી ઠંડીમાં ઠંડા પાણીએ સ્નાન ન કરો.લો,હું તમને ગરમ પાણી લાવી આપું.”

     ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તરત જ કહ્યું,“સાધુએ માંદગી વિના ગરમ પાણીથી સ્નાન ન કરાય.અમારું શરીર નરવું (સાજું) છે માટે ગરમ પાણી ન લેવાય.મહારાજની આજ્ઞા નથી.”

     આટલું બોલતાં તેઓએ મંદિરમાં ખુલ્લા ચોકમાં આવેલ નળ નીચે બેસી સ્નાન કરવાનું ચાલુ કરી દીધું.

     આખી રાતનું નળમાં બરફ જેવું ઠરી ગયેલું પાણી તેમના શરીર પર પડતાં લોહીના ટશિયા બાઝી ગયા. આખા શરીરનું લોહી થીજી ગયું.

     જોડે સેવામાં રહેલા સાગરદાનભાઈથી આ જોયું નહોતું જતું. તેથી તેમણે ઘણી વિનવણી કરી, “સ્વામી, આ પાણી શરીરના ગાત્રો થિજાડી દે તેવું છે, માટે સ્વામી ના ન્હાશો...”

     છતાં એ દિવ્યપુરુષે ઠંડા પાણીએ જ સ્નાન કર્યું. કોઈની તો નહિ પણ પોતાના અવરભાવની પણ મોબત ન રાખી.

     ગામના હરિભક્તો તથા પૂજારી તો સાચા સંતની રીતે વર્તવાનો તેમનો આગ્રહ જોઈ અચંબિત થઈ ગયા.

     તે સૌના મુખે એક જ વાત હતી, “અમે આવા નિયમ-ધર્મની અડગ ટેક રાખનાર નંદસંતોની વાતો વાંચી ને સાંભળી હતી. પણ એમનાં ક્યારેય પ્રત્યક્ષ દર્શન નહોતા કર્યાં. પણ એવા નંદસંતનાં દર્શન આ સ્વામીમાં અમને આજે થયાં. એમની અચળ અડગ આજ્ઞાપાલનની નિષ્ઠાને ધન્ય છે...”

    આજે વર્ષો પછી પણ જ્યારે 90 વર્ષીય સાગરદાનભાઈ આ પ્રસંગ કોઈ હરિભક્તની સમક્ષ વર્ણવતા હોય છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે ને એમના હાથ અવસ્થાના ભાવોને અવગણી મસ્ત બની હવામાં લહેરાતા હોય છે.

     એમના મુખમાં વારંવાર એક જ શબ્દ પડઘાતો હોય છે : “મેં એ વખત પહેલી વાર આવા સાધુ જોયા હતા... હું તો સડક થઈ ગયો.. હું તો સડક થઈ ગયો...”વાત કરતાં કરતાં પાછા તેઓ સડકની જેમ સ્તબ્ધ બની રહેતા હોય  છે.