પ.પૂ.બાપજીએ પ.પૂ.સ્વામીશ્રીની આંતરમુખી જીવનની પરીક્ષા કરી.
ઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.
ફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા આકાશમાં ઊંચે ચઢવા લાગ્યું. 30-35,000 ફૂટ ઊંચાઈ પર ચઢતાં વિમાન આકાશમાં વાદળોની ઊંચે ગયું તેથી નીચે રૂના ઢગલા જાણે ખડક્યા હોય તેવું દેખાતું હતું.
“સ્વામી, જો તો ખરા નીચે રૂના ઢગલા જેવાં વાદળ લાગે છે. કેવાં ધોળાં ધોળાં છે !”
ગુરુવર્ય પ.પૂ. બાપજીની સીટ બારીની બાજુમાં હતી. બારી બહાર જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું.
“બાપજી બહુ સરસ રૂના ઢગલા જેવા લાગે છે.”
“સ્વામી, જો તો ખરા નીચે...”
“હા બાપજી, આપ કહો છો તેમ જ છે...”
“રૂના ઢગલા છે પણ જોતા તો નથી.”
“બાપજી, આપને મન વાદળાં તો શું પણ અનંતકોટિ બ્રહ્માંડની કોઈ વસ્તુ વિસાતમાં નથી; પણ આપ મારી કસોટી કરો છો.”
ગુરુવર્ય પ.પૂ.બાપજી આ સાંભળી પ.પૂ.સ્વામીશ્રી પર ખૂબ રાજી થઈ ગયા અને બોલ્યા,
“તમે પૂરેપૂરા પાસ થયા. સમગ્ર સંતો-હરિભક્તોના સમાજને આવા આંતરમુખી જીવનના પાઠ ભણાવજો. મૂર્તિ સિવાય બધેથી પાછા વાળજો.”