“ધંધો બરાબર ચાલે છે ને ? કાંઈ તકલીફ તો નથી ને…”

     “હા સ્વામી, મહારાજ અને મોટાની દયાથી બધું સેટ થઈ ગયું છે. ધંધો ફર્સ્ટ ક્લાસ ચાલે છે.”

     “સારું, મહારાજની આજ્ઞા પ્રમાણે નિયમિત નામું લખવાની ટેવ રાખજો અને મહારાજને કર્તા કરજો.”

     આટલું કહી પ.પૂ. સ્વામીશ્રીએ ત્યાંથી વિદાય લીધી.

     થોડા સમય બાદ...

     આ હરિભક્ત સ્વામિનારાયણ ધામ પર પ.પૂ. સ્વામીશ્રીના આસને આવી નાના બાળકની માફક પોક મૂકી રડવા લાગ્યા :

      “સ્વામી, મને બચાવી લો.”

     “પણ શું થયું ? માંડીને વાત તો કરો.”

     “સ્વામી, ધંધામાં બહુ મોટી ખોટ ગઈ, ફૅક્ટરી, ઘર વેચાતા પણ દેવું ભરપાઈ થાય તેમ નથી.”

     “ભાઈ, બે-ત્રણ મહિના પહેલાં તો સરસ ચાલતું હતું તે શું થયું ?

     “સ્વામી, મેં લોનથી ધંધો ચાલુ કર્યો હતો, વકરાને આવક માની ખર્ચ બેફામ કરતો પણ નામું રાખતો નહોતો અને આપની આજ્ઞા પછી પણ નામું લખવા તરફ દુર્લક્ષ સેવતા આ હાલત થઈ, લેણદારો આવવા લાગ્યા, ક્યાંયથી હિસાબ મળતો નથી.”

    પ.પૂ. સ્વામીશ્રી થોડા આકરા શબ્દોમાં ટકોર કરતા છતા પ્રેમથી સમજાવતા કહ્યું,

     “જેટલું મહારાજ અને મોટાપુરુષની આજ્ઞા-અનુવૃત્તિમાં વર્તાશે તેટલું જ સુખ છે નહિ તો દુઃખ જ આવવાનું છતાં, ‘જાગ્યા ત્યારથી સવાર...’ પણ હવે અમારી આજ્ઞા મોટા અક્ષરે લખી રાખજો... એને હૈયામાં ધારજો પણ નામું ખાસ લખજો... મહારાજ ભેળા ભળશે..”