અંતર્યામીપણામાં સ્વાધીન
મૂ.નિ. પૂ. આનંદસ્વામીનું પૂર્વાશ્રમનું નામ બહેચરભાઈ હતું. તેઓ વાસણા મંદિરે સેવામાં હતા. નૂતન મંદિરમાં શ્રાવણ મહિનામાં પ્રથમ વખત જ હિંડોળાનું આયોજન કર્યું હતું. હિંડોળાના દિવસોમાં એક દિવસ ગાંધીનગર ખાતે શિબિર ગોઠવી હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ બહેચરભાઈ અને સોમાભાઈ કે જે દાનભેટમાં બેસતા હતા. તેમને વાસણા મંદિર સાચવવા માટે રહેવાની આજ્ઞા કરી.બહેચરભાઈ હરિકૃષ્ણ મહારાજને હિંડોળામાં ઝુલાવતા હતા.
તેમને મનમાં સંકલ્પ થયો કે, “સંસ્થાના સર્વે સંતો-હરિભક્તો બધા જ શિબિરમાં જવાના છે. લાભ બહુ મોટો છે. જો ગુરુવર્ય પ.પૂ. બાપજી મને શિબિરમાં એમની સાથે લઈ જાય તો સારું.”
એ વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજી ભોંયરામાં હરિભક્તો પાસે બેઠા હતા. પરંતુ લઘુ કરવાના બહાને ઉપર આવી બહેચરભાઈની સામે ઊભા રહી ગયા અને કહ્યું, “શું બેઠા બેઠા સંકલ્પ કરો છો ? શિબિરમાં આવવાનો સંકલ્પ મૂકી દો. તમે અને સોમભાઈ ઘરના કહેવાવ; માટે તમારે અહીં મંદિર સાચવવા ને સેવા માટે રોકાવાનું છે. તમને અહીં બેઠા શિબિરનું પૂરેપૂરું ફળ આપી દીધું. હવે બીજો કોઈ સંકલ્પ ન કરશો. ”
ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય શબ્દો સાંભળતાં બહેચરભાઈનો શિબિરમાં જવાનો સંકલ્પમાત્ર ટળી ગયો અને રાજી રાજી થઈ ગયા કે મારે તો ઘેર બેઠા સેવા પણ થશે અને મફતમાં શિબિરનું ફળ મળી ગયું. આવી રીતે અનેકાનેક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રેમી હરિભક્તોના મનોરથો અંતર્યામીપણે જાણી તેમના સંકલ્પો પૂરા કરી રાજી કરે.
કેટલાકને અંતર્યામીપણે કસર જણાવી શુદ્ધ પાત્ર પણ કરે. સત્સંગી – બિનસત્સંગી જે જે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અંતર્યામીપણાનો અનુભવ કરે છે તેઓ અહોભાવમાં ગરકાવ થઈ જાય છે.