દિવ્યપુરુષના અવરભાવનું જતન.
“દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના કરી રહ્યા છે.
પ્રસંગ એમ છે, તા.10-3-17 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા. એ દિવસે અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત થોડી નાદુરસ્ત હતી. ડૉક્ટરે બોલવાની મનાઈ કરી હતી.
કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ કે જેમનો ખોરાક જ કથાવાર્તા છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી ન રહી શક્યા. સંતો તેમજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ પણ પ્રાર્થના કરી છતાંય એ પુરુષે એક જ આગ્રહ રાખ્યો. અંતે સૌને નમવું પડ્યું.
વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી સૌને પોતાની અમૃતવાણી દ્વારા વચનામૃતના ગૂઢાર્થ રહસ્યોને ઉકેલીને સમજાવી રહ્યા હતા તેમજ પ્રશ્નોત્તરી કરતા હતા. એમાં એક પ્રશ્ન બાપાએ પૂછ્યો.
બાજુમાં જ પાંચ સંતો બેઠા હતા એટલે બાપાએ કહ્યું, “આ કૉન્ફરન્સને પૂછીએ...”એમ કહી દરેકને વારાફરતી પૂછવાનું શરૂ કર્યું.
પ્રથમ જે સંત બેઠા હતા તેઓ ઊભા થયા અને વિનમ્રભાવે બોલ્યા, “બાપા,રાજી રહેજો, પરંતુ સેવકને પ્રશ્ન બરોબર સમજાયો નહીં.”
ગુરુવર્ય પ.પૂ.બાપજીની પડખે જ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી બિરાજમાન હતા. તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીની થોડા નજીક આવ્યા અને ગુરુવર્ય પ.પૂ.બાપજીને કહ્યું, “બાપજી, એમને પ્રશ્ન બરોબર સમજાયો નહિ એટલે... સેવક આપના વતી એમને સમજાવી દે... આપ રહેવા દો...”
એ દિવ્યપુરુષની રીતને કોણ સમજી શકે ? વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી યેનકેન પ્રકારે બાપજીને બોલવું ન પડે, એમને તકલીફ ન પડે એ જ તકની રાહ જોઈને બેઠા હતા.
ત્યારબાદ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ફરીથી પેલા સંતને વિસ્તૃત પ્રશ્ન સમજાવ્યો અને હેતુપૂર્વક તેની ચર્ચા લાંબી ચલાવી કે જેથી ગુરુવર્ય પ.પૂ.બાપજીને બોલવું જ ન પડે.
કેવા છે એ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજી... કે જેઓ પોતાના અવરભાવ સામે પણ જોતા નથી, પરમાર્થ જ એમનું એકમાત્ર પ્રયોજન છે અને કેવા છે એ દિવ્યપુરુષ સ્વામીશ્રી... સાચું શિષ્યત્વ સાર્થક કરી ગુરુનું સેવન કરવાની અલૌકિક રીતનાં જેમનામાં દર્શન થાય છે... ધન્ય છે એ અજોડ જોડને...