સહજ સહજમાં અંતર્યામીપણાનાં દર્શન.
એક વખત સ્વામીશ્રી સહજાનંદજી મહારાજ દાદાખાચરના દરબારમાં લીંબતરુ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર ગાદી-તકિયો બિછાવેલ તે ઉપર બિરાજિત હતા.
સૌ સંતો-હરિભક્તો શ્રીજીમહારાજની દિવ્ય અમૃતવાણીનું આચમન કરતાં મગ્ન હતા. તે સમામાં ગામ કાંપડીના એક બ્રાહ્મણ આવ્યા.
સભાને વીંધતાં વીંધતાં છેક મહારાજના ઢોલિયા સુધી પહોંચી આ બ્રાહ્મણે મહારાજને નમન કર્યું. ચરણસ્પર્શ કરી ઢોલિયા પર પેંડાનું પડીકું મૂક્યું. તે પેંડાને નિહાળતાં મહારાજે બ્રાહ્મણને પૂછયું,
“આવા સારા પેંડા ક્યાંથી ?”
“એ તો મહારાજ, અમારા ગામના દરબાર વજેસિંહે આ સાકરના પેંડા આપને આપવા સારુ ખાસ મોકલ્યા છે.”
ત્યારે મહારાજે તે પડીકાંમાંથી ગણીને દસ પેંડા પોતે રાખ્યા અને દસ પેંડા બ્રાહ્મણને પાછા આપ્યા.
અને પેલા બ્રાહ્મણને સહેજે સહેજે અંતર્યામીપણું મહારાજે દર્શાવતાં કહ્યું, “આ દસ પેંડા તમો દરબાર વજેસિંહજીને આપજો અને કહેજો, ‘મહારાજે પ્રસાદીના કરીને આપ્યા છે.’ અને બીજા દસ પેંડા જે તમોએ કાઢી લીધા છે તે તમારા છોકરાને આપજો.”
આટલું સાંભળી ભૂદેવ મનમાં આશ્ર્ચર્ય પામ્યા અને પોતાના કર્તૃત્વથી ક્ષોભ પામતા સભામાંથી વિદાય લીધી.