શ્રીહરિનું અંતર વિષયાસક્ત જીવથી દ્રવી ઊઠ્યું.
એક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા.
ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે,
“હે પ્રભો ! તમે હવે દયા કરીને કોઈ દિવસ મને મનુષ્યનો અવતાર દેશો નહીં. કેમ કે આ મનુષ્યદેહે કરીને વિષયસુખ ભોગવાતું નથી. માટે આપ જન્મોજન્મ લંબકર્ણનો અવતાર દેજો જેથી સારી પેઠે વિષયસુખ તો ભોગવાય.”
મહાપ્રભુ તેમની આ પ્રાર્થના સાંભળી દ્રવી ઊઠ્યા.
“અરરર... જીવો આટલા બધા વિષયસુખમાં ચકચૂર છે. શું થશે આવા જીવોનું ? આવા વિષયાસક્ત જીવો તો જગતમાં ઘણા હશે, મારે તેમને મારા સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન આપી, ઉપદેશ કરી વિષયમાંથી નિવૃત્ત કરવા છે. હવે તે કાર્યમાં વિલંબ નથી કરવો.”