ઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા.

     આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીને લેવા માટે બળદગાડું મોકલ્યું.

     ગાડાવાળા ગુરુવર્ય પ.પૂ.બાપજીને સામા લેવા આવ્યા અને પ્રાર્થના કરી:“સ્વામી,આપ બળદગાડામાં બિરાજો.”

     “તમારે કાંઈ વ્યસન છે ?” ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પ્રાર્થના સામે આ પ્રશ્ન પૂછ્યો.

     ગાડાવાળા ભાઈ મૌન રહ્યા એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ફરીથી પૂછ્યું, “બોલો તમારે કાંઈ વ્યસન છે ?”

     પેલા ભાઈ ગભરાતાં ગભરાતાં બોલ્યા : “હા, સ્વામી...”

     “શું વ્યસન છે ?”

     “મારે તમાકુનું વ્યસન છે...”

     જેમની દૃષ્ટિમાં નરી અન્ય માટે કરુણા રહી હોય, દયા રહી હોય કે, ‘અમારા સંગમાં આવનારને ચોખ્ખો કરવો જ છે...’

     એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી ગંભીર મુખમુદ્રાએ બોલ્યા, “અમે તમારા ગાડામાં બેસીશું નહીં.”

     સાથે રહેલા સાગરદાનભાઈ સ્વામિનારાયણ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરતાં બોલ્યા : “બાપજી, આપ ઘણા દિવસોથી પગપાળા  વિચરણ કરો છો... અને આજે પણ આપણે સવારથી પગપાળા ચાલ્યા છીએ... અને અવરભાવમાં આપને ઠાકોરજી જમાડવાની પણ અનુકૂળતા રહી નથી... આપ ખૂબ થાકેલા છો... માટે આપ ગાડામાં બેસી જાવ એવી પ્રાર્થના છે...”

     “સાગરદાનભાઈ, આ ગાડાવાળા ભાઈ પ્રથમ વ્યસન છોડે તો જ આપણે એમના ગાડામાં બેસીશું.”

     આ વાર્તાલાપ સાંભળતાં સાંભળતાં ગાડાવાળા ભાઈનું હ્દય દ્રવી ઊઠ્યું. એમની આંખોની કોર પણ છલકાઈ.

     તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીના ચરણોમાં નમી ગયા.

     “સ્વામી,ઘણાં વર્ષોથી સંતોને ગાડામાં મૂકવા જતો પણ કોઈએ મને આપની માફક વ્યસન છોડવાની વાત કરી નથી. હું તો સાવ અબુધ છું પણ મને વ્યસન છોડાવવા તમે તમારા શરીર સામું પણ ના જોયું. આ ભાઈએ આપને પ્રાર્થના કરી તોપણ આપે મને સુધારવા તે સ્વીકારી નહીં. મારા જેવા પામરને સુધારવાનો આપનો આગ્રહ કેવો છે ! આવા સાધુઓની મેં મારા બાપા કનેથી વાતું સાંભળી હતી પણ દર્શન આજે થયાં... લો સ્વામી, આજથી આ તમાકુની ડબ્બી મૂકી... આપ બળ આપજો...”

     ગુરુવર્ય પ.પૂ.બાપજી રાજી થયા.તે હરિભક્તને ઊભા કર્યા ને બોલ્યા : “આજે તમે શ્રીજીમહારાજના ભગત થયા... શ્રીજીમહારાજ તમારી રક્ષામાં જ છે. મન મક્કમ રાખજો...”

     “સ્વામી, હવે તો બિરાજો...” પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી ગાડામાં બિરાજ્યા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો નિર્વ્યસની ભક્ત જ વ્હાલા છે. તે છોડાવવા માટે નિજને પણ કષ્ટ આપવા પાછા પડતા નથી.