હિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા.

     અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા.

     એક દિવસ બંને ભાઈઓને વ્યવહારિક બાબતમાં બોલાચાલી થઈ.

     થોડી વારે બુધને વિચાર થયો :

     “અરે, મને ધિક્કાર છે. એક તો સત્સંગી અને વળી મારો ભાઈ હોવા છતાં મેં તેની સાથે કેવો વર્તાવ કર્યો ! બળ્યો વ્યવહાર... મારા મહારાજ કુરાજી થશે.” એમ પસ્તાવો કરતાં કરતાં માનસીપૂજા કરવા બેઠા પણ અંતરમાં પશ્ચાત્તાપનું ઝરણું વહેતું હતું. તેથી મહારાજ અને સંતોને ખૂબ સ્તુતિ-પ્રાર્થના કરી.

     સાચો ભાવ જોઈ મહારાજે માનસીપૂજામાં દર્શન આપ્યાં.

     બુધે મહારાજને ખૂબ ભાવથી જમાડવા મંડ્યા.

     મહારાજે જમાડતાં જમાડતાં કહ્યું,

     “હરિજનમાં હેત રાખવું. સાચા સગાં તો હરિજન જાણવાં. કારણ કે તે આ લોકમાં ને પરલોકમાં પણ સાથે રહેનારા છે. માટે તેની સાથે વઢીને વેર ન કરવું ને એકબીજાએ આંટી ન પાડવી.”