પ.પૂ.બાપજીએ મહારાજની મિલકતનો અવિવેકપૂર્ણ ઉપયોગ ના થાય તે સૂચવ્યું.
તા.૧૧-૩-૨૦૧૮ના રોજ સંધ્યા સમયે સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીને સંત આશ્રમના હૉલમાં મુક્તવિહાર કરાવી રહ્યા હતા.
“સ્વામી,ત્યાં સંતોના આસને પડદામાંથી લાઇટ દેખાઈ રહી છે.જુઓને ત્યાં કોણ છે ? શું કરે છે ?” સેવક સંતને ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પૂછ્યું.
સેવક સંત ત્યાં જઈ તપાસ કરી આવી બોલ્યા,“બાપજી,પૂ.વૈરાગ્યસ્વામી ડ્રાયફ્રૂટના હારમાંથી ડ્રાયફ્રૂટ છૂટું કરી રહ્યા છે.”
“સ્વામી,એમને કહો આસને બધા પડદા ખોલી દે.હજુ તો પ્રકાશ ઘણો છે. લાઇટની જરૂર નહિ રહે...” સંત આશ્રમના હૉલમાં વ્હિલચેર પર વિહાર કરતાં બોલ્યા.
ગુરુવર્ય પ.પૂ.બાપજીની વાત સાંભળી તેઓ સ્વામીને સૂચના આપવા ગયા. પૂ. વૈરાગ્યસ્વામીએ આસને ઊભા રહી ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શન કર્યાં; ત્યારપછી પડદા ખોલી લાઇટ બંધ કરી દીધી.
પૂ.વૈરાગ્યસ્વામીની સેવા હજુ ચાલુ જ હતી. સંધ્યા સાવ ઢળી ગઈ હતી. સંધ્યાના સાડા છ થવા આવ્યા હતા.
ગુરુવર્ય પ.પૂ.બાપજીનો વિહાર હજુ ચાલુ જ હતો.
“સ્વામી, વડીલને (વૈરાગ્યસ્વામીને) કહેવડાવો કે,હવે અંધારું થઈ ગયું છે; લાઇટ કરે. એમને તકલીફ પડશે...”
આમ બોલી સેવક સંતને કહ્યું, “અમને ત્યાં લઈ જાવ...”
“સ્વામી,આટલીબધી કરકસર નહિ કરવાની કે જેથી આપણી આંખો બગડે ! અમે તો એમ સમજીએ છીએ કે,આ પણ શ્રીજીમહારાજની મિલકતનો અવિવેકપૂર્ણ ઉપયોગ કર્યો કહેવાય...”
પૂ.વૈરાગ્યસ્વામી ગુરુવર્ય પ.પૂ. બાપજીને નીરખી રહ્યા અને અંદર પ્રશ્ન થયો, ‘આમાં બાપજી શું કહેવા માગે છે ?’
ત્યાં ગુરુવર્ય પ.પૂ.બાપજી બોલ્યા,“સ્વામી,તમારી આંખો ઘનશ્યામ મહારાજની મિલકત ન કહેવાય...!!” આટલું બોલતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ હળવું હાસ્ય રેલાવ્યું.
ગુરુવર્ય પ.પૂ. બાપજીની ‘કરકસર’ અંગેની વિભાવના બૃહદ ફલકને વરેલી છે.એમાં સદાય એમની દિવ્યતા-ભવ્યતા જ રહી છે.