ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે એમનો દૈનિક ક્રમ અતિ અતિ વ્યસ્ત.

     તેમાં એક સળી જેટલો અવકાશ તેઓ રહેવા દેતા નહીં.

     બ્રાહ્મકાળે સાડા ચાર વાગ્યે એમનો દિવસ પ્રારંભાતો અને રાત્રિના સાડા અગિયાર વાગ્યા સુધી અવિરતપણે ચાલતો દિવસ વિરામ પામતો.

     આ સમય દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજી અખંડ કથાવાર્તાના અખાડા ચલાવતા. રાત્રે સાડા અગિયાર વાગ્યે ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે વાંચન પ્રભાત ઊગતું. સાડા અગિયારથી લઈ દોઢ વાગ્યા સુધી વાંચન કરતા.

     વાંચનમાં વચનામૃત તથા અબજીબાપાશ્રીની વાતોનું વાંચન ચાલતું.તેઓ એકાગ્રતાથી એક સ્થાને અભ્યાસ કરતા. એમની આ રીત કાયમી.

     આ રીતિ જોઈ ઘણા હરિભક્તો ગુરુવર્ય પ.પૂ.બાપજીને પ્રાર્થના કરતા:“બાપજી,આ તમે સવારે સાડા ચાર વાગ્યેથી લઈ સાડા અગિયાર વાગ્યા સુધી કથાવાર્તાના અખાડા ચલાવો છો... સેવાઓ પણ કરો છતાંય સાડા અગિયાર  પછી બે કલાક વાંચન શા માટે કરો છો ? દયાળુ, થોડો આરામ કરો ને ! અમારી આ પ્રાર્થના તો સ્વીકારો...”

     “આખો દી અમે હરિભક્તો માટે કથા કરીએ એથી તમારું ભાથું બંધાય અને રાત્રે વાંચન દ્વારા અમે અમારા માટે કથા કરીએ છીએ એટલે અમારું ભાથું બંધાય... એટલે અમારે અમારી મૂડી ભેગી કરવી જ પડે.શ્રીજીમહારાજ,અબજીબાપાશ્રી અને સદ્ગુરુશ્રીઓએ રચેલા ગ્રંથો વાંચીએ તો મૂર્તિના અનન્ય સુખનો અહેસાસ થાય... સુખિયા રહેવાય... ભર્યા રહેવાય... અને શ્રીજીમહારાજ તો ભર્યાના ધણી છે માટે અમે વાંચીએ છીએ...”

       આમ, ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરમાં બિરાજતા તોપણ બે કલાક અચૂક વાંચન કરતા.