એક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી પાડું, પછી છોડું નહીં.”

  ગુરુદેવ પ.પૂ. બાપજી તેમને પ્રગટભાવ-પ્રત્યક્ષભાવ દઢ કરાવતાં સહસા જ બોલ્યા : “અરે ! આપણા મહારાજ તો બહુ દયાળુ છે. રોજ સવારે 6થી 12 અને સાંજે 4થી 9 દર્શન આપે જ છે. પકડી પાડને !”

  “બાપજી, એ નહિ; અક્ષરધામમાં છે તે મહારાજ.”

  ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “આ એ જ મહારાજ છે. પ્રતિમા સ્વરૂપે મહારાજ દર્શન આપે છે તેમાં અને અક્ષરધામની મૂર્તિમાં કાંઈ જ ફેર નથી. અનંત તેજ, ઐશ્વર્ય, લાવણ્યતા, અનંત અનાદિમુક્તો બધું   આ મૂર્તિને વિષે જ છે. એવા ભાવથી દર્શન, સેવા, પૂજા જે કરીશ તે મહારાજ સ્વીકારે.”

  આમ, તે હરિભક્તને બેસાડી ગુરુદેવ પ.પૂ. બાપજીએ ગઢડા પ્રથમના 9મા વચનામૃતના આધારે શ્રીજીમહારાજનો પ્રગટ-પ્રત્યક્ષભાવ જેમ છે તેમ સમજાવ્યો.