એક વખત શ્રીહરિ મહુડેપરે પધાર્યા. ત્યાં સંતો-બ્રહ્મચારીએ મહારાજને થાળ કરી પોતે પણ જમાડી લીધું હતું.

  પછી શ્રીહરિ ગાડા ઉપર ગાદલું નખાવીને બિરાજમાન થયા. એ વખતે સદ્. નૃસિંહાનંદ સ્વામી અને સદ્. આત્માનંદ સ્વામી પાછળથી પધાર્યા.

  રસોઈ પૂરી થઈ ગઈ હતી. તેથી શ્રીહરિએ તરત જ તેમની જમાડવાની ચિંતા કરી. મહારાજે કહ્યું,

  “ઉનાળો છે સંતો, કેરી લાવો; આ સંતોને જમાડીએ.” હરિભક્તો દોડતા કેરી લાવ્યા અને પળી (છરી) મંગાવી.

  ત્યારે એક હરિભક્તે કહ્યું,

  “મહારાજ ! લાવો અમે કેરી છોલી આપીએ. તમને હસ્તમાં વાગી જશે.”

  “ભાઈ, તમે કરો તો તેમાં તમારે લાભ એમાં અમારે શું ફળ થાય ? એ તો જે કરે તેને ફળ થાય.”

  એમ કહી મહારાજે જાતે જ કેરીઓ છોલી સંતોને જમાડી. આવી રીતે પોતે મહાપ્રભુ હોવા છતાં સંતોની નાનામાં નાની સેવા કરવાની તક જવા નહોતા દેતા.