દાદાખાચરનું એક મહિનાથી અટકેલ કામ એક કાગળથી કરાવ્યું
“મહારાજ બિચારો દાદો રાજકોટવાળા સાહેબની વાંસે એક માસથી ફરે છે તોય કામ પતતું નથી તે તમે બિચારા દાદાને ક્યાં સુધી દુ:ખી કરશો ?” જીવુબા (મોટીબા)એ મહારાજને દરબારના કામથી એક માસથી ગયેલા દાદાખાચરનું કામ પતાવવા વિનવણી કરી
“માણસ મોકલો, દાદાખાચરને તેડી લાવે.” આમ કહી મહારાજે લાધા ઠક્કર પાસે દાદાખાચર ઉપર કાગળ લખાવવા માંડ્યો જે,
“દાદાને માલૂમ થાય જે, આ કાગળ વાંચી તૈયાર થઈ ઘોડે સામાન બાંધી, સાહેબને મળી ગઢપુરની વાટ પકડજો.”
માણસ કાગળ લઈને વઢવાણ ગયો. દાદાખાચરને વંચાવ્યો. દાદાખાચરને થયું જે,
‘ઘરે તો જાવું છે પણ કામનો નિકાલ થયો નહિ પણ મહારાજે કહ્યું તેમ જ કરવું છે.’ અને ઘોડે સામાન બાંઘી સાહેબના ડેરે મળવા ગયા. સલામ કરી ઊભા રહ્યાં.
“કેમ દાદાખાચર તૈયાર થયા ?” સાહેબે પૂછ્યું.
“સાહેબ, અમારા કામનો કાંઈ ફેસલો થયો નહિ ને મહારાજે મને તેડાવ્યો છે તેથી ગઢડે જવા રજા લેવા આવ્યો છું.” દાદાએ વિનમ્રભાવે કહ્યું.
ત્યારે સાહેબે હસીને ફેસલાનો હુકમ લખી, મહોરછાપ મારી દાદાખાચરના હાથમાં આપ્યો ને કહ્યું, “જાઓ, તમારા કામનો નિકાલ થયો.”
આમ, શ્રીહરિ નિજાશ્રિતના અવરભાવનાં કાર્યો પણ પાર પાડવાની ચિંતા રાખી પાર પડાવતા.