તા. ૧૩-૩-૨૦૧૯ ને બુધવારના રોજ સવારે સ્વામિનારાયણ ધામ ખાતે સંત આશ્રમના શયનખંડમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સ્વામિનારાયણ ધામમાં સેવા આપતા આજીવન સેવકોની સભા ગોઠવાયેલી હતી.

સભાના પ્રારંભે એક પૂ. સંતે પ્રવચન કર્યું. ચાલુ પ્રવચને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા.

પરંતુ પ.પૂ. સ્વામીશ્રીએ જોયું અને ટકોર કરતાં કહ્યું, “સંતો ! હરિભક્તો ! આ સભામાં ઠાકોરજી તો પધરાવ્યા નથી. તમે અમારું આસન, સંતોના આસન આદિ બધી વ્યવસ્થા કરી પરંતુ ઠાકોરજીને પધરાવવાના રહી ગયા. સભામાં ઠાકોરજીની મૂર્તિ અવશ્ય પધરાવવી જ. તમે સભામાં આવ્યા ત્યારે સભાના પ્રારંભે બે દંડવત કર્યા હશે, પરંતુ ઠાકોરજી તો ન હતા. દંડવત કોને કર્યા ?? અત્યારે આ બધાય હરિભક્તોમાંથી આ વિચાર કોઈને ન આવ્યો ? જે આપણી પ્રગટભાવની કસર કહેવાય. અત્યારે પ્રગટભાવ અને અંતર્યામીપણું દૃઢ કરીએ તે લક્ષ્યાંકનો માસ ચાલે છે. છતાંય, આપણામાં આવી કસર રહી જાય છે.”

આમ કહી આખી સભામાં મહારાજનું મુખ્યપણું, પ્રગટપણું તેની પર સૌને લાભ આપ્યો. એમ ઠાકોરજીનો પ્રગટભાવ દૃઢ કરાવ્યો.