તમને તો કાયમ જોડે બેસાડવાના છે હો
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને દિવ્યપુરુષ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે અનેક વખત અંતર્યામીપણાંનાં દર્શન થતા. જે મુક્તપુરુષનો ઠેઠનો પરભાવનો ગુણ છે.
જેમ કે, સન ૧૯૭૯માં શ્રાવણ માસમાં વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીએ અ.મુ. સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના પ્રાગટ્યસ્થાન ટોરડા-ઈડર બાજુ દર્શનાર્થે બે સ્પેશ્યલ બસો કાઢેલી. ગુરુદેવ પ.પૂ.બાપજીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પણ એમાં આવવા આજ્ઞા કરેલી. એ વખતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વિદ્યાભ્યાસ કરતાં હતા. ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞા એટલે આજ્ઞા એ અતિશે દ્રઢ હતું એટલે સમયની પ્રતિકૂળતા હોવા છતાં ના પાડવાનો પ્રશ્ન જ નહોતો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તો હજુ પ.પૂ. બાપજી સાથે માંડ એકાદ વર્ષથી જોડાયેલા હતા.
છતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડ પહોંચતા પહેલાં સંકલ્પ કર્યો કે બાપજી મને એમની જ બસમાં, એમની જ બાજુની સીટમાં બેસાડે તો કેવું સારું ! અને અંતરના સંકલ્પોને જાણી ન જાય તો એ પ.પૂ. બાપજી શાનાં ! અને, એમ જ બન્યું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને બસ સ્ટેશને પહોંચતાં જ જવાબદાર મુક્તએ કહ્યું જે, તમારે પ.પૂ. બાપજીની સાથે - બાજુમાં જ બેસવાનું છે. અને બેસતાંની સાથે જ કહી પણ દીધું કે, “તને તો કાયમ જોડે બેસાડવાનો છે હોં.”
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત જણાવતાં હોય છે કે “હૈયામાં બસ, એક જ આનંદ હતો અને આજે પણ છે કે સેવક પર કેટલી અનહદ કરૂણા કે એમણે અકારણ કૃપા કરી સદાય સાથે બેસાડી દીધો !!! અહાહાહા... કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છું... ”