‘અરે, સ્વામીશ્રી હમણાં તો અમારી સાથે હતા અને હવે ક્યાં પધાર્યા હશે ?? અમો બધા તો અહીં જ છીએ.’ ગુરુકુલની સેવા સંભાળનાર પૂ. સંતને વિચાર સ્ફુર્યો.

વાત એવી હતી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બપોરના એક વાગ્યે ગુરુકુલમાં વિઝિટમાં પધાર્યા અને એક વિભાગમાં વિઝિટ કરી પૂ. સંતો અને ગૃહપતિ વચ્ચે કંઈ ચર્ચા ચાલુ હતી. તે દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકલા આગળના વિભાગમાં વિઝિટ માટે પધાર્યા.

ચર્ચાને અંતે કંઈક નિર્ણય લેવા માટે પૂ. સંતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તરફ જોયું તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ત્યાં હાજર નહીં.

પછી તો ગુરુકુલના વિભાગોમાં શોધખોળ ચાલી. એક બાળમુક્ત પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને શોધતા હતા. શોધતા શોધતા રસોડા તરફ ગયા ત્યાં વાસણ ઘસવાનો અવાજ આવતાં બાળમુક્તે પૂ. સંતોને વાત કરી.

પૂ. સંતો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દાસત્વભાવની તાસીર જાણતા હોવાથી હાંફળા ફાંફળા રસોડા તરફ પધાર્યા. ત્યાં જોયું તો દરવાજો અંદરથી બંધ. ખખડાવ્યો તો કોઈ ખોલે નહીં. પછી પૂ. સંતોએ બારીમાંથી જોયું તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ચોકડીમાં વાસણ ઘસતા હતા.

પૂ. સંતોએ બારીમાંથી ખૂબ પ્રાર્થના કરી, “સ્વામી, ખોલો. આપને આ સેવા ન કરવાની હોય.”

પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પ્રાર્થના અસ્વીકારી વાસણ પૂરા ન થયા ત્યાં સુધી દરવાજો ન ખોલ્યો.