“જય સ્વામિનારાયણ.” ખોપાળાના જેઠા માણિયાએ થાળ જમવા જતા શ્રીહરિને ઉચ્ચ સ્વરે કહ્યું.

“જય સ્વામિનારાયણ. ભગત, તમે આ કામ ક્યારના કરો છો ?” શ્રીહરિએ જેઠા ભગતની નજીક આવી પૂછ્યું.

“એ તો મહારાજ, હું સૂર્ય ઊગ્યા પહેલાં તમારાં દર્શને આવ્યો હતો. તે અહીં એક સંતે મને ચોક લીંપવા માટે ગારીયું ગોલવા (ખૂંદવા) કહ્યું તે ત્યારથી ખૂંદું છું.”

શ્રીજીમહારાજ તેઓને સંતનો મહિમા અને સંતના વચને નિ:સંશય થઈ સેવા કરતા જોઈ અત્યંત રાજી થઈ ગયા અને બ્રહ્મચારીને આજ્ઞા કરી જે,

“અમારા થાળમાંથી ચૂરમાના છ લાડુ લઈ આવો. આ ભગતને હમણાં જ જમાડવા છે.”

“અરે મહારાજ, હું નાહ્યો નથી ને પૂજા બાકી છે. માટે ઘરે જઈ નાહી, પૂજા કરીને જમાડીશ.”

“ભગત, અમે નાના હતા ત્યારે અમારા માતુશ્રીની આજ્ઞા મુજબ નાહ્યા વગર અમે જમી લેતા. માટે અમારી આજ્ઞાથી જમી લો. તમને બાધ નહિ લાગે.”

ત્યારે શ્રીજીમહારાજને રાજી કરવા સારુ તે સ્થાને ઊભા રહીને મહારાજની આજ્ઞાથી જેઠા ભગત છ લાડુ જમી ગયા.

પછી શ્રીજીમહારાજ તેમને રાજી થઈ ભેટ્યા ને કહ્યું, “જે અમારા સંતના વચને નિ:સંશય થઈ સેવા કરે તેના પર અમારો બહુ જ રાજીપો થાય છે ને તેને અમે શું આપી દઈએ તેમ થાય.”