પોતાનો સમય બગાડી યુવકનો સમય સુધારી દીધો...
ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઘનશ્યામભાઈ મિરાણીને પોતાથી વધુ નિકટ લેવા સુરેન્દ્રનગર લઈ જવાનું આયોજન કર્યું. તેમણે ઘનશ્યામભાઈને બોલાવીને પૂછ્યું, “તારે બે-ત્રણ દિન અમારી સાથે સુરેન્દ્રનગર શિબિરમાં આવવાનું છે. ફાવશે ને ?”
તેમને શારીરિક રીતે વૉમિટિંગની તકલીફ હોવાને લીધે દીનભાવે ‘ના’ પાડી. ત્યાં તો ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમને કહ્યું, “અરે, એમાં શું ? એવું થાય તો અમે ગાડી ઊભી રખાવીશું.” એમણે પાછું દીનભાવે ગુરુદેવ પ.પૂ. બાપજીને કહ્યું, “બાપજી, આપનો કેટલો સમય બગડે ? આપને મારા લીધે તકલીફ ના પડવી જોઈએ.”
“અમને કોઈ તકલીફ શાની પડે ? તમારે અમારી સાથે આવવાનું જ છે.”
આ જોઈ તેઓ તો આભા જ બની રહ્યા : ‘બાપજી મારા માટે વારંવાર ગાડી ઊભી રાખશે ?! આવું કોણ કરે ! મને સાથે રાખવા આટલો બધો આગ્રહ !’ ગુરુદેવ પ.પૂ. બાપજી તેમને લઈ ગયા. ત્રણ ત્રણ વાર ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમના માટે ગાડી ઊભી રખાવી.
એમના પોતાના લીધે ગુરુદેવ પ.પૂ. બાપજીનો સમય બગડે છે એનું એમને ભારે દુ:ખ સાલવા લાગ્યું. તેથી તેઓ ગાડીમાં બેઠા બેઠા ગળગળા થઈ ગયા.
સુરેન્દ્રનગર પહોંચતાં તેઓ તો ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણોમાં ઢળી પડ્યા : “બાપજી, આપે મારા માટે ત્રણ ત્રણ વાર ગાડી ઊભી રખાવી ?! હું કેવો સામાન્ય છતાં આપે મને સાથે લીધો. મારા પર આપની કેવી મોટી કૃપા !”
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ એક એક યુવાનને પોતાની નિકટ લેવા ઘણું વેઠ્યું છે.