ઠાકોરજીને અહીં જ પોઢાડો...
તા. ૨૩, ૨૪-૪-૧૮ એમ બે દિવસ મહેસાણાની ઝોનલ શિબિર બલોલ ગામે એક શાળાના સંકુલમાં રાખી હતી. એ સંકુલમાં એક જ ખંડમાં એરકૂલરની વ્યવસ્થા હતી. તેથી સેવક સંતે તે ખંડમાં બિરાજેલા હરિકૃષ્ણ મહારાજને બીજે પોઢાડવાનું કર્યું.
આ જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આશ્ચર્યવત્ પૂછ્યું. “સ્વામી, ઠાકોરજીને ક્યાં લઈ જાવ છો ?”
“દયાળુ, અત્યારે આપને અહીં અંગત બેઠક છે. રાત્રે મહારાજને પોઢવાનું મોડું ન થાય તેથી બહાર બીજા રૂમમાં પોઢાડીએ છીએ.” પૂ. સેવક સંતે કહ્યું.
“એમ વાત છે, એક કામ કરો સેવક બીજા રૂમમાં જતો રહેશે પણ ઠાકોરજીને અહીં જ પોઢાડો.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું.
“ના દયાળુ, આપ અહીં બિરાજો આપને બીજે ગરમી થશે.” પૂ. સેવક સંતે પ્રાર્થના કરી.
“સ્વામી, સેવકને ગરમી થશે એવો તમને વિચાર આવ્યો પણ ઠાકોરજીને ગરમી થશે તેનો વિચાર ન આવ્યો. માટે ઠાકોરજીને અહીં જ પોઢાડો.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આજ્ઞાના રૂપમાં કહ્યું.
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્વસુખનો વિચાર ત્યજી હરિકૃષ્ણ મહારાજને પ્રાધાન્ય આપ્યું.