વડોદરા નિવાસી ને હાલ સુરત વસતા પ.ભ. શ્રી પી.બી. પટેલ જેઓ ઘણા વર્ષોથી કાર્ય સત્સંગમાં જોડાયેલા હતા. ખૂબ તન-મન-ધનથી સેવા કરતા હતા. પરંતુ અંતરમાં શાંતિનો અનુભવ થતો નહોતો.

ઈ.સ. ૨૦૦૯માં તેમના મિત્રએ ગુરુદેવ પ.પૂ. બાપજીની અમૃતવાણીની સી.ડી. શ્રવણ કરવા માટે આપી. તેઓને વચનામૃતમાં ખૂબ રસ હતો. કથાશ્રવણ કરી ખૂબ અહોભાવ થયો, ‘વચનામૃતમાં આવું જ્ઞાન છે !! આ કોઈ સામાન્ય સંત નથી. એમના મુખે સ્વામિનારાયણ ભગવાન વાતો કરે છે.’

તેઓ તેમના મિત્ર સાથે વાસણા મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શનાર્થે પધાર્યા. દર્શન કર્યાં. ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમના એક માટે જ બપોરે ૧થી સાંજે ૭ વાગ્યા સુધી વચનામૃત ઉપર લાભ આપ્યો. આ છ કલાકની સળંગ બેઠક દરમ્યાન ન તો જળ ધરાવ્યું, ન તો ઊભા થયા.

પરિણામે તેમને ભગવાન સ્વામિનારાયણની જેમ છે તેમ સર્વોપરી નિષ્ઠા દૃઢ થઈ. ગુરુજીના મુખ પર છ કલાક વાતું કર્યાનો કોઈ જ થાક જણાતો ન હતો. પરંતુ તેમને નિષ્ઠાની દૃઢતા થઈ તેનો અનેરો આનંદ ઊભરાતો હતો.

તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજી સંગ અનુભવેલ અનુભૂતિ વર્ણવતાં કહેતા હોય છે, “એ દિવસથી આજ સુધી દિવ્યપુરુષે મને સાચવી રાખ્યો છે. એટલું જ નહિ, મને પોતાનો કરી દીધો. એ ઋણનો વિચાર આજે પણ ગદ્ગદિત કરી દે છે.