તા. ૨૩-૪-૧૮ના રોજ મહેસાણા ખાતે ઝોનલ શિબિરમાં બાળ શિબિરનું આયોજન કરેલું. જેમાં એક સ્પૉટમાં કેટલાંક બાળકો મંજીરા, તબલાં, ઢોલક વગાડી ધૂન ગાઈ રહ્યા હતા.

તેઓની ગાયન-વાદન કળા જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજી થયા. પરંતુ કારણપ્રધાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ નીચેનો પ્રશ્ન પૂછી બાળમુક્તોને મૂર્તિમાં રહીને ધૂન બોલવાની રુચિ જણાવી.

“બાળમુક્તો, તમે બહુ સારું ગાઓ છો, વગાડો છો. પરંતુ મૂર્તિમાં રહીને ધૂન બોલ્યા ?”

“ના, દયાળુ.” બાળકોએ નિર્દોષભાવે પોતાની ભૂલ સ્વીકારી.

બાળકોને મહારાજનો અભિપ્રાય જણાવવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સેવક સંતને આજ્ઞા કરી.

“સ્વામી, ગઢડા પ્રથમનું ૨૨મું વચનામૃત બોલો. આજે આપણે મહારાજના અંતરનો અભિપ્રાય સમજીએ.”

સેવક સંત ગુરુજીની આજ્ઞાથી પ્રથમનું ૨૨મું વચનામૃત મુખપાઠ બોલ્યા, “મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને ગાવું તેમાં ભગવાનની સ્મૃતિ ન રહે તો તે ગાયું તે ન ગાયા બરાબર છે.” આ વાક્ય પર ગુરુજીએ ખૂબ ભારપૂર્વક લાભ આપ્યો.

“બાળમુક્તો, ધૂન મહારાજ જ ગાય છે, તબલાં મહારાજ જ વગાડે છે. એ ભાવે ધૂન-કીર્તન ગાવાં ને વાજિંત્ર વગાડવાં તો તે મૂર્તિમાં રહીને ગાયું કહેવાય. હવેથી કાયમ મૂર્તિમાં રહીને ધૂન-કીર્તનનું ગાન કરશો ને ?”

“હા, દયાળુ.”

“પક્કાવાલા પ્રોમિસ !”

“હા મહારાજ, પક્કાવાલા પ્રોમિસ.” બાળમુક્તોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના ચરણ પર હાથ મૂકી આજ્ઞા શિરે ચડાવી.

“ચલો, અત્યારે જ પાંચ મિનિટ મૂર્તિમાં રહીને ધૂન બોલીએ.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની મરજી જાણી બાળમુક્તોએ એ જ વખતે પાંચ મિનિટ મૂર્તિમાં રહીને ધૂન કરવાની પ્રેક્ટિસ કરી.