“ભગત, પેલા બે સાધુઓને બોલાવી લાવો.” સરધારમાં બિરાજતા શ્રીહરિએ હરિભક્તને રસ્તે જતા પોતાના સંતોને બોલાવી લાવવા કહ્યું.

“અરે ઓ સંતો ! તમને મહારાજ બરકે (બોલાવે) છે.” હરિભક્તે સંતોને બૂમ પાડી કહ્યું. શ્રીહરિ સરધારમાં બિરાજે છે તે જાણી સંતોને આનંદ થયો અને સભામાં આવી શ્રીહરિને દંડવત કરી હાથ જોડી ઊભા રહ્યા.

“કહો, હવે કેવી ઉપાધિઓ છે ?” શ્રીહરિએ આતુરતાપૂર્વક પૂછ્યું.

શ્રીહરિના લાગણીસભર હૈયેથી પુછાયેલ પ્રશ્ન સાંભળી સંતોના નેત્ર સજળ થઈ ગયા અને કહ્યું, “મહારાજ ! હવે ત્રાસ વધતો જાય છે. વિઘ્નસંતોષીઓ અમારા તુંબડા, પત્તર ભાંગી નાખે છે. કંઠી અને જનોઈ તોડી નાખે છે, શિખા કાપી લે છે, સદાવ્રતોમાંથી લોટ, દાળ લૂંટી લે છે, ગાળો દે છે, અનેક ઉપાધિઓ કરે છે. પૃથ્વી પરનું કોઈ દુઃખ એવું નથી જે તમારા સાધુઓ ઉપર પડ્યું ન હોય.”

શ્રીહરિએ તેમની વાત શાંતિથી સાંભળી. પછી ધીરે રહીને તેમને કહ્યું, “પૃથ્વી ઉપર જે સુખ નથી તે સુખ તમને મળ્યું છે. મનુષ્યજીવનનું જે ફળ છે તે તમને મળ્યું છે. દુઃખથી હારે તે સાધુ નહીં. આપણે સાધુ રહેવું છે; માટે ક્ષમા રાખવી.”

આમ, શ્રીહરિ પોતાના સંતોને સાધુતા શીખવી,ક્ષમા રાખવાનો ઉપદેશ કરતા.