એક વખત સમર્પિત મુક્તોની સભાના પ્રારંભે એક સમર્પિત મુક્ત વચનામૃત બોલી રહ્યા હતા ત્યારે કેટલાક સમર્પિત મુક્તોની દૃષ્ટિ વચનામૃત કોણ બોલી રહ્યું છે તે જોવા માટે વચનામૃત બોલનાર મુક્ત તરફ ખેંચાઈ.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીથી આ વાત અજાણી-છાની ન રહી. અંતર્વૃત્તિના આલોચક અને પરભાવની દૃષ્ટિના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્વવર્તન દ્વારા પ્રેરણા આપતાં સર્વે સમર્પિત મુક્તોને હળવી રીતે કહ્યું, “વ્હાલા મુક્તો, અમે મંગળા આરતીમાં જઈએ પરંતુ આરતી કોણ ઉતારે છે ? તે કદી જોવાનો પ્રયાસ સુધ્ધાં કર્યો નથી. મહારાજ જ મહારાજની આરતી ઉતારે છે. શા માટે કોઈની અવરભાવની આકૃતિ જોઈ અવરભાવ પાકો કરવો ? અરે ! વચનામૃત કોણ બોલ્યું ? કોનો અવાજ છે ? તે પણ શા માટે વિચારવું જોઈએ ? મહારાજ જ મહારાજની વાણી ઉચ્ચારે છે. ચારેય સ્વરૂપમાં પરભાવ જ જોવો તો જલદી જલદી પરભાવમાં પહોંચી જવાય.”

આમ, પરભાવના ખરા પથદર્શક વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત મુક્તોને સહેજે સહેજે પરભાવમાં જવાનો રાહ ચીંધ્યો.