શ્રીહરિએ રાજાનો મહેલ છોડી ગરીબ રત્ના કડિયાને ત્યાં ઉતારો કર્યો
“મહારાજ, આપને ઘણી ખમ્મા, કેટલાય વખતથી આપના આગમનની પ્રતિક્ષા કરતા હતા. આજે આપની પધરામણીથી અમારું સમગ્ર ગોંડલ રાજ્યને અમારું ભુવન પાવન થયું.” આમ, ગોંડલ ના રાજા દેવાજીએ શ્રીહરિનું સ્વાગત કર્યું.
શ્રીહરિના આગમનથી રાજ્યના પ્રેમી ભક્તો દર્શન કરવા ઊમટ્યા. તેમાં એક ગરીબ હરિભક્ત રત્ના કડિયા પણ દર્શને આવ્યા.
દર્શન કરતાં કરતાં શ્રીહરિને રત્ના ભક્તે હાથ જોડીને કહ્યું, “હે મહારાજ ! દયાળુ, આપ તો ગરીબનિવાજ છો, અહીં રાજદરબારમાં અમારા જેવા ગરીબથી ઝાઝું અવાય નહીં. માટે મારે ઘેર ઉતારો રાખો તો અમને કાંઈક સુખ આવે.”
રત્ના ભક્તની પ્રાર્થના સાંભળી શ્રીહરિ સાંજે રાજદરબારેથી નીકળી રત્ના કડિયાને ઘેર પધાર્યા.
રત્ના ભક્ત ઘેર શ્રીહરિનાં દર્શન કરતાં રાજી રાજી થઈ ગયા. ઘરમાં ઢોલિયો નહિ, પાથરવાનું નહિ, તેથી રત્ના ભક્ત આઘા-પાછા થતા હતા. ત્યાં શ્રીહરિ સાંગામાંચી (ટેકો દઈને બેસાય તેવી પાટી ભરેલી ખુરશી) ઉપર બેસી ગયા. સાથેના સંતોએ ખુલ્લામાં ઉતારો કર્યો .
શ્રીહરિ તેમના પ્રેમને વશ થઈ રાજદરબારના પકવાન ત્યજી રોટલો જમ્યા.
શ્રીહરિને રાજમહેલનાં પકવાનના સ્વાદ કરતાં પણ રત્ના કડિયાના ભક્તિભાવનો સ્વાદ વધારે મીઠો લાગ્યો.