એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુકુલના સાત-આઠ બાળમુક્તોને પોતાના આસને બોલાવ્યા. આ બાળમુક્તો ગઈકાલે તોફાન-મસ્તી કરતા હતા. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય-વિવેક શીખવતાં તેમને સહેજ હળવી રીતે ટોક્યા હતા.

તેઓ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આસને પધાર્યા એટલે તેમણે બાળમુક્તોની સામે મર્માળું સ્મિત રેલાવી નજીક બોલાવ્યા. પછી અતિ ગળગળા થઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “મુક્તો, ગઈકાલે તમને તોફાન-મસ્તી કરતા જોઈ સેવકથી ટકોર થઈ ગઈ, તમે દુભાયા તેથી મહારાજ દુભાયા માટે રાજી રહેજો. આજે આખો દિવસ અમને ચેન ન પડ્યું. તેથી તમને રાજી કરવા અહીં બોલાવ્યા.” એમ કહી મા બાળકને ભેટે તેમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બાળમુક્તોને ભેટી અતિ વ્હાલ વરસાવ્યો અને પ્રસાદીની લાડુડી આપી રાજી કર્યા.

બાળમુક્તોએ પણ ભીનાં નેત્રે ભેટતાં ભેટતાં પ્રાર્થના કરી કે, “સ્વામી, આપ તો અમારી ખરી મા છો. અમારો વાંક છે ને આપ વઢો છો તેમાં આપને દુ:ખી થવાનું ન હોય. હવે અમે તોફાન-મસ્તી છોડી આપ રાજી થાવ તેવી રીતે વર્તશું.”

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બાળમુક્તોની માફી માંગી, રાજી કર્યા.