ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. વડીલ સંતને પોતાની સાથે ટેબલ પર જમવા બેસાડ્યા
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનલ શિબિરનો લાભ પૂર્ણ કરી, મધ્યાહ્ ન ભોજન માટે સંત રસોડામાં પધાર્યા. તે સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ચરણમાં (ઢીંચણમાં) દુખાવાના કારણે ડૉક્ટરની કડક સૂચના મુજબ નછૂટકે ઠાકોરજી જમાડવા ખુરશી પર બિરાજતા.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ખુરશી પર બિરાજ્યા, સામે પૂ. વડીલ સંત પણ ખુરશી પર બિરાજ્યા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પત્તર સામે ટેબલ પર હતું. પૂ. વડીલ સંત મોટાપુરુષથી સમકક્ષ સુવિધાનો ઉપયોગ ન કરાય તેથી મર્યાદા જાળવી હસ્તમાં પત્તર લઈ જમવા માંડ્યા.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “સ્વામી, અહીંયાં સેવક જોડે આવી જાવ. અહીં જગ્યા છે જ.” પૂ. વડીલ સંતે ના પાડી. એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પણ પોતાનું પત્તર ટેબલ પરથી હસ્તમાં લઈ લીધું અને કહ્યું, “તો મારે પણ ટેબલ પર નથી જમવું. મને ફાવે છે કે નહિ તે જોવું છે.” પૂ. વડીલ સંતે ઘણી પ્રાર્થના કરી પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પત્તર ન મૂકતાં પૂ. વડીલ સંતે ટેબલ પર પત્તર મૂક્યું પછી જ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ટેબલ પર પત્તર મૂક્યું.
પૂ. સેવક સંત પીરસતા હતા તેમને પણ પીરસવા ન ઊભા રહેવા દેતાં જમવા બેસી જવા કહ્યું. સાથે જોડે બેઠેલા પૂ. વડીલ સંતને આગ્રહ કરી પીરસતા જાય.
પછી પોતે સૌથી પહેલાં ઠાકોરજી જમાડી પત્તર ઘસ્યા બાદ પૂ. સંતોના પત્તર ઘસવા માટે હસ્તમાંથી લેવા માંડ્યા ને કહ્યું, “લાવો, તમારા પત્તર ઘસવાની સેવા આપોને.”
આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આ એક જ રીતમાં દાસત્વભાવ, નિર્માનીપણું, માતૃવાત્સલ્યતા તથા પૂ. સંતો પ્રતિ પોતીકાપણું દાખવી પૂ. સંતોને ગદ્ગદિત કરી દીધા.