સારંગપુરમાં સૌને રંગે રમાડ્યા
એક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા મંગાવ્યા, હતા તેને પાણીમાં ઉકાળીને મોટાં રંગેડા ભર્યાં હતાં. ગુલાલનાં ગાડાં મંગાવ્યા હતાં. રસોઈની સામગ્રી પણ પુષ્કળ પ્રમાણમાં તૈયાર રાખી હતી. શ્રીજીમહારાજ આ બધી તૈયારીઓ જોઈ રાજી થયા.
સવારે જીવાખાચર તથા રાઠોડ ધાધલે શ્રીજીમહારાજનું ચંદન, પુષ્પ, અબીલ, ગુલાલ આદિ સામગ્રીથી પૂજન કર્યું. પછી શ્રીજીમહારાજને પૂછ્યું : “મહારાજ ! ફૂલદોલોત્સવ ક્યારે કરવો છે ?”
શ્રીજીમહારાજે કહ્યું : “મધ્યાહ્ને ફૂલદોલોત્સવ કરીશું.”
સંતો, હરિભક્તો શ્રીજીમહારાજ સાથે રાઠોડ ધાધલના ઘેર પધાર્યા. શ્રીજીમહારાજે કથાવાર્તાનો લાભ આપ્યો. ત્યારબાદ સંતોએ કીર્તન-ભક્તિ કરી.
એટલામાં બ્રહ્મચારી આવ્યા. તેમણે શ્રીજીમહારાજને દીનવચને કહ્યું : “મહારાજ ! થાળ તૈયાર છે. ઠાકોરજી જમાડવા પધારો.”
શ્રીજીમહારાજ રાઠોડ ધાધલના ઓરડે પધાર્યા. બ્રહ્મચારીએ પાટલો, બાજોઠ, સુવર્ણનો લોટો, પ્યાલો વગેરે તૈયાર રાખ્યાં હતાં. શ્રીજીમહારાજ જમાડવા બિરાજ્યા. રાઠોડ ધાધલના પ્રેમભાવની રસોઈ જમાડી અને ચળું કર્યું. ત્યાં તો સંતો-હરિભક્તો રંગ ભરી પિચકારીઓ હસ્તમાં લઈને ઓરડામાં આવી શ્રીજીમહારાજને ઘેરી વળ્યા.
ત્યારે શ્રીજીમહારાજે તેમને કહ્યું : “રમવાની આ રીત નથી. એક પક્ષે અમે અને અમારા સંતો તથા બીજે પક્ષે અમારા ભક્તો.” એમ કહી શ્રીજીમહારાજે રંગનાં માટલાં, ગુલાલના ટોપલાં મંગાવ્યાં. રાઠોડ ધાધલે શ્રીજીમહારાજના હસ્તમાં સુવર્ણની પિચકારી આપી અને શ્રીજીમહારાજે રંગે રમાડવાની શરૂઆત કરી. સામસામા પરસ્પર રંગની છોળ્યો ઊછળવા માંડી. ગુલાલના ગોટા ઊડ્યા. નીલરંગી નભ આજે લાલરંગી થઈ ગયું. રંગની ધૂમ મચી ગઈ ! ઢોલીઓ બુંગિયો ઢોલ જોરજોરથી વગાડવા માંડ્યા. સૌને રંગે રમાવાનું શૂરાતન ચડી ગયું. શ્રીજીમહારાજે સૌને રંગભીના-સ્નેહભીના કરી દીધા. શ્રીજીમહારાજને પણ સૌ સંતો-હરિભક્તોએ રંગરેલ કરી દીધા.