વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી સુરત ખાતે વિચરણમાં પધારી રહ્યા હતા.

પ્રાત:સમે સર્વે સંતો,સાધકમુક્તો વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા.તે દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી સત્સંગ વિચરણ અર્થે ગાડીમાં બિરાજ્યા. સાથે આવનાર સંતો-હરિભક્તો પણ બેઠા.

ગાડી સુરત જવા માટે નીકળી તે દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રાતઃસમયના નિયમ ધ્યાન, માળા, સમૂહગાન કરી લેખનસેવા કરી રહ્યા હતા. તે અરસામાં ગાડી ઓઢવ રિંગરોડ,અમદાવાદ ખાતે ટોલબૂથ આગળ પહોંચી.

ગાડી ચલાવનાર ડ્રાઇવર મુક્તે ઠાકોરજીના પૈસાની બચત કરવા ગાડી સાઇડમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો. તેમનો ઇરાદો નહતો કે ટોલટેક્સ ના ભરવો પણ ઠાકોરજીના પૈસાની બચત થાય તેવો હેતુ હતો.

પરંતુ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ તરતજ ટકોર કરતાં કહ્યું કે,“મુક્તરાજ, આપણે ટેક્સ ભરવો જોઈએ; એ આપણી ફરજ છે.આપણે લોકોને ચોરી નહિ કરવાનો ઉપદેશ આપીએ છીએ અને આપણે જ ચોરી કરવાની ? ગાડી પર શું લખ્યું છે ? સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા. તમને કેટલા ઓળખે છે? પણ આપણા ભગવાનને તો આખી દુનિયા ઓળખે છે. એમનું ભૂંડું દેખાય માટે આવી રીતે નાસી જવાની કે ચોરી કરવાની ટેવ ના પાડી દેવી. અને હવે આ ટકોર ફરીવાર ના કરવી પડે તેનું ધ્યાન રાખજો...”

આમ, ગાડીને પાછી વાળી ટોલબૂથ પર ટેક્સ ભરીને જ ગાડીને આગળ જવા દીધી.

વાહ!ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વાહ! માત્ર શ્રીજીમહારાજની આજ્ઞા પાળવાનો જ નહિ,પરંતુ સરકારના નીતિ-નિયમોનું પણ પાલન કરાવવાનો કેટલો આગ્રહ!