બાળમુક્તો પરત્વે માતૃભાવ દાખવી છત્રીની સેવાનો ઇનકાર કર્યો
ઈ.સ. ૨૦૦૨, સ્વામિનારાયણ ધામ ગુરુકુલનું પ્રથમ વર્ષ. ગુરુકુલના અનેક આકર્ષણોમાંનું મુખ્ય આકર્ષણ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો મળતો દિવ્ય લાભ.
ચોમાસાની સિઝન હતી. એક વખત સમી સાંજે બાળમુક્તોને સમાચાર મળ્યા કે, “આજે રાત્રે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલની સભામાં લાભ આપવા પધારશે.” બાળમુક્તો સમાચાર સાંભળી હરખઘેલા થયા.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધારવાના હોવાથી બાળમુક્તો ખૂબ ઉત્સાહથી સ્ટેજ તથા સભાખંડ શણગારવાની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક નાના બાળમુક્તો ઝરમર વરસતા વરસાદમાં પૂ. સંતો માટે સંત આશ્રમમાંથી ગાદલાં લાવી રહ્યા હતા.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વરસાદ આવતો હોવાથી ઝરુખાનો દરવાજો બંધ કરતા હતા. તે દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ સેવા કરતા બાળમુક્તો પર પડી.
સભાનો સમય થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલ સભામાં પધારતા હતા. ત્યારે એક બાળમુક્તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી માટે છત્રી તૈયાર રાખી હતી. પરંતુ તેઓએ છત્રીનો અસ્વીકાર કરતાં કહ્યું, “બાળમુક્તો, તમે છત્રી વગર વરસાદમાં પલળતા સેવા કરતા હતા તો મારાથી છત્રી કેમ લેવાય ?!!” પૂ. સંતોએ ખૂબ પ્રાર્થના કરી છતાંય તે પ્રાર્થનાનો અસ્વીકાર કરી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી છત્રી વગર જ વરસતા વરસાદમાં ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં પધાર્યા.
“આહાહા... કોટિ જનનીનાં હેત લાજે, મળ્યો પ્યાર અપાર...”