મુકુન્દ બ્રહ્મચારીની અવિરત સેવાભક્તિ
એક દિન સંધ્યા સમયે શ્રીજીમહારાજ સભામાં બિરાજમાન હતા. સભામાં સૌ સંતો-ભક્તોને કથાવાર્તાનું સુખ આપી રહ્યા હતા. તે સમયે મુકુન્દ બ્રહ્મચારી સભામાં પોઢી રહ્યા હતાં. શ્રીજીમહારાજની બાજુમાં જ તે બેઠા હતા. સૌની દૃષ્ટિ તેમના ઉપર પડી હતી. પોઢતા બ્રહ્મચારીના નાકમાંથી જોરદાર નસકોરા બોલી રહ્યા હતા. તેથી સભામાં ખલેલ પડતો હતો. તેથી બ્રહ્માનંદ સ્વામી તરત જ બોલ્યા, “મહારાજ ! મુકુન્દ બ્રહ્મચારી તમારી બાજુમાં જ ગાઢ નિદ્રાનું સુખ લઈ રહ્યા છે. તેમને સભાના નિયમ મુજબ માથામાં બેરખો લગાવો એટલે નિયમ સચવાય.”
શ્રીજીમહારાજે કહ્યું, “બ્રહ્મચારી તો અમારી સેવામાં છે. પોઢતા નથી.”
આ સાંભળી બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા બોલ્યા, “મહારાજ ! આખી સભા સાક્ષી છે. પણ આપ અમારા ઇષ્ટદેવ છો. સત્ય સ્વરૂપ છો, એટલે અસત્ય બોલો છો એવું તો અમારાથી કહેવાય નહીં. પરંતુ મહારાજ... આ... પ... પક્ષપાત કરો છો એવું તો કહેવાય ને !”
ત્યારે શ્રીજીમહારાજે કહ્યું : “હમણાં તમને અમારા સત્ય વચનની અનુભૂતિ થશે.” એમ કહી શ્રીજીમહારાજે બ્રહ્મચારીના માથામાં બેરખો માર્યો. બ્રહ્મચારી ઝબક્યા અને તરત જ શ્રીજીમહારાજને ગાદી સોતા ઊંચકીને દોડવા લાગ્યા. આખી સભા આ જોઈ દંગ રહી ગઈ. પછી શ્રીજીમહારાજે કહ્યું, “બ્રહ્મચારી ! તમે આ શું કરો છો ?”
શ્રીજીમહારાજના આ શબ્દોથી તેઓ જાગ્યા પણ તેઓ ભોંઠા પડ્યા ! પણ તરત જ તેમણે કહ્યું : “મહારાજ ! જ્યાં આપ વિરાજમાન થયા હતા ત્યાં એકાએક આગ લાગી એવું મને દેખાયું. એટલે હું આપને લઈને દોડયો.”
શ્રીજીમહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું : “સ્વામી ! સાંભળ્યું ? બ્રહ્મચારી સ્વપ્નમાં પણ અમારી સેવા જ કરી રહ્યા હતા !”