ખુદાની પ્રતીતિ કરાવી
“અરે, ધુલેખા ! આવો, પધારો… ઘણા સમય પછી અહીં માણાવદર બાજુ આવવાનું થયું.” માણાવદર નવાબ ગજેફરખાને બાટવાના નવાબ ધુલેખાને આવકાર આપતાં કહ્યું.
“હા, ગજેફરખાન. એ તો મને આપને આંગણે (ગામમાં) મોટા ઓલિયાપુરુષ પધાર્યા તેમની કીર્તિ સાંભળવા મળી. તેથી મનમાં થયું કે આ ૨૩ વર્ષની યુવાન અવસ્થાવાળા ઓલિયાપુરુષ કેવા હશે ? તે જોવા જઉં તેથી આવ્યો છું.” નવાબ ધુલેખાએ કહ્યું.
“તમે કયા ઓલિયાપુરુષની વાત કરો છો ?”
“અરે, તમારે ત્યાં શ્રીજીમહારાજ આવ્યા છે તેની વાત કરું છું. હું તેમનાં દર્શને ગયો હતો ત્યારે થોડા પ્રશ્નો લઈને ગયો હતો. તો મારી સાથેની વાતચીતમાં જ અંતર્યામીપણે શ્રીજીમહારાજે મારા મનના તમામ પ્રશ્નોના સચોટ ઉત્તર આપી દીધા. આવો પ્રભાવ જોઈ મને તેઓ ઓલિયાપુરુષ છે તેવી પ્રતીતિ થઈ.”
“ધુલેખા, આ શ્રીજીમહારાજ તો માત્ર ઓલિયાપુરુષ નથી; સાક્ષાત્ ખુદા છે. મેં તેમના કેટલાંય દિવ્ય ચરિત્રો સાંભળ્યાં છે.”
આમ, શ્રીહરિમાં ખુદાપણાની (ભગવાનપણાની) પ્રતીતિ મુસ્લિમ નવાબોને પણ સહેજે થતી.